ધોળકાના લીલેજપુર વટવા નાકા પાસેનો વળાંક વાહનચાલકો માટે ‘ડેન્જર ઝોન’ બન્યો છે. રસ્તા પર જોખમી વળાંક નજીક અકસ્માત નિવારવા ડિવાઈડર બનાવવા વાહન ચાલકોની માંગ ઉઠી છે.

લીલેજપુર વટવા નાકા પાસે આવેલા મુખ્ય માર્ગ હાલ વાહનચાલકો માટે ‘ડેન્જર ઝોન’ બની ગયો છે. આ રસ્તા પર આવેલા તીવ્ર વળાંક અને નગરપાલિકાના પમ્પિંગ સ્ટેશનને કારણે સામેથી આવતા વાહનો દેખાતા નથી, જેના પરિણામે અહીં અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે.
પમ્પિંગ સ્ટેશનની દીવાલને લીધે વાહનચાલકો સામી દિશાના ટ્રાફિકનો અંદાજ મેળવી શકતા નથી, જે જીવલેણ સાબિત થઈ શકે છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોની ઉગ્ર માંગ છે કે ધોળકા નગરપાલિકા દ્વારા આ જોખમી વળાંક પાસે સત્વરે ડિવાઈડર બનાવવામાં આવે. જો અહીં ડિવાઈડરનું નિર્માણ થાય તો વાહનો પોતાની લેનમાં શિસ્તબદ્ધ રીતે ચાલે અને અથડામણની શક્યતા ઘટી જાય. તંત્ર વહેલી તકે જાગીને જાનહાનિ અટકાવવા પગલાં ભરે તે જરૃરી છે.

