મૂળીના સરા ગામમાં બાળકોની સ્કૂલ બેગમાંથી દેશી દારૃની પોટલીઓ મળી આવી હતી. ગ્રામજનોએ દારૃ પોલીસ આગઉટ પોસ્ટને સોંપ્યો હતો. મહિલા બુટલેગર નાસી છૂટી હતી. સ્થાનિકોએ સરા આગઉટ પોલીસ ચોકી ખાતે એક દિવસનું આંદોલન કર્યું હતું.

સરા ગામમાં સ્થાનિક લોકોએ એક સગીર બાળકના સ્કૂલ બેગમાંથી દેશી દારૃ પોટલી ઝડપી પાડી છે. સ્થાનિકોએ દેશી દારૃનો જથ્થો લઈ સરા પોલીસ આઉટ પોસ્ટ પહોંચ્યા અને હોમગાર્ડ જવાનને સોંપવામાં આવ્યો હતો. દરમિયાન આ ઘટનાની જાણ થતા મહિલા બુટલેગર દ્વારા સરા આઉટ પોસ્ટ ખાતે પહોંચી અને પોલીસ ચોકીની અંદર રાખવામાં આવેલો દેશી દારૃનો મુદ્દામાલ લઈ ફરાર થઈ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાને લઇને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. બુટલેગરોની વધતી હિંમત અને પોલીસની નિષ્ક્રિયતા સામે વિરોધ નોંધાવતા સ્થાનિકોએ સરા આઉટ પોસ્ટ ચોકી ખાતે આંદોલન શરૃ કર્યું હતું અને બુટલેગર સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી હતી. જ્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ જો તંત્ર દ્વારા તાત્કાલિક કડક પગલાં લેવામાં નહીં આવે તો બાળકોના ભવિષ્ય સાથે રમતા આવા અસામાજીક તત્વો સામે વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

