હળવદ શહેરમાં હળવદ-રાણેકપર બની રહેલા રોડનું કામ ડાયવર્ઝન આપ્યા વગર શરૂ કરી દેવામાં આવ્યું છે. કોન્ટ્રાકટરની બેદરકારીને કારણે લાંબા ગાળાના પ્રોજેક્ટને કારણે પાંચ ગામના હજારો વાહન ચાલકો અને સોસાયટીના રહિશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

હળવદની હરીદર્શન ચોકડી પછીના રોડ પર રાણેકપર રોડથી કેનાલ વાળા રોડ સુધી રોડ ઉપર ગાબડા પડી જતા રાણેકપર, ગોલાસણ, મેરૂપર સહિતના પાંચ ગામ અને અહીંની સોસાયટી વૃંદાવન પાર્ક, ગુરુકુળ, સિદ્ધિ વિનાયક રામલીલા તેમજ સાનિધ્ય વન અને ટુ, આનંદ બંગ્લોઝ સહિતની સોસાયટીના રહીશોને હળવદ ગામમાં આવવા માટે પારાવાર મુશ્કેલી વેઠવી પડતી તેમજ વાહન ચાલકોમાં અકસ્માતનો ભય રહેતો હતો. આ રોડની હાલત ખરાબ હોય, સ્થાનિકો દ્વારા નવા રોડ અંગે માંગ ઉઠાવી હતી. જેના પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડિસેમ્બર-૨૦૨૪માં રૂ.ચાર કરોડના ખર્ચે આ ૧.૪ કિમીના રોડને મંજૂરી આપી છે.
આ નવા રોડનો કોન્ટ્રાક્ટ મોરબીની સ્થાપત્ય કન્ટ્રક્શન કપંનીને સોંપવામાં આવ્યો છે. આવા પ્રોજેક્ટ્સ માટે વૈકલ્પિક માર્ગ (ડાયવર્ઝન) બનાવવો ફરજિયાત હોય છે, પરંતુ અહીં તેનું પાલન કરાયું નથી. જેના કારણે કોન્ટ્રાક્ટરે રોડ પર ડાયવર્ઝન આપ્યા વગર ખોદકામ કરી નાખતા હજારો વાહનોને હાલાકી વેઠવી પડે છે. સ્થાનિક રહિશોએ આ અંગે કોન્ટ્રાક્ટરને જાણ કરતા કંપનીના મેનેજરે દાદાગીરી કરી થાય તે કરી લેવાની ધમકી આપી હોવોનો સ્થાનિકોએ આક્ષેપ કરી વીડિયો વાયરલ કર્યો હતો અને નગરપાલિકા તંત્ર તેમજ ધારાસભ્ય સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો તેમજ આ મામલે હસ્તક્ષેપ કરી તાકિદે સમસ્યાનો ઉકેલ લાવી ડાયવર્ઝન આપવા માંગ કરી છે.

