હળવદ તાલુકાના ટીકર ગામ નજીક બ્રાહ્મણી નદી પર આવેલા પુલ પર અચાનક મોટું ગાબડું પડતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. આ ઘટનાને પગલે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સદનસીબે જ્યારે ગાબડું પડયું ત્યારે કોઈ વાહન પસાર ન થઈ રહ્યું હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આ ઘટનાએ માર્ગ અને મકાન વિભાગની નિષ્ક્રિયતાની પોલ ખોલી નાખી છે.

લગભગ ૨૦ વર્ષ જૂના આ પુલની હાલત લાંબા સમયથી જર્જરિત હતી. પુલ પર ગાબડું પડવાને કારણે આસપાસના ૧૫ જેટલા ગામોને જોડતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે. હવે સ્થાનિક લોકોને, ખેડૂતોને અને વિદ્યાર્થીઓને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે ૫ કિલોમીટર જેટલો લાંબો ધક્કો ખાવો પડી રહ્યો છે. કલેક્ટરના જાહેરનામા છતાં આ માર્ગ પર સતત પસાર થતા ઓવરલોડ ડમ્પરોને કારણે પુલની હાલત વધુ ખરાબ થઈ હોવાનો આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યો છે.ઘટનાની જાણ થતાં જ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જોકે, ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે માત્ર તપાસના નામે સમય બરબાદ કરવાને બદલે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે અને યુદ્ધના ધોરણે પુલનું સમારકામ અથવા નવું નિર્માણ કરવામાં આવે. જો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આકરા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

