હળવદ પંથકમાં સરકારી જમીનોના નકલી રેકર્ડ બનાવી કરોડો રૃપિયાનું કૌભાંડ આચરવાના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. અંદાજે ૩૦ કરોડ ૮૦ લાખ રૃપિયાની અંદાજે ૧૩૮ એકર (અંદાજે ૩૪૪ વીઘા ) જેટલી સરકારી જમીન બોગસ દસ્તાવેજોના આધારે પચાવી પાડવાના આ સુનિયોજિત કૌભાંડના મુખ્ય સૂત્રધાર રમેશ બબાભાઈ સાકરીયાને હળવદ પોલીસે ઝડપી લીધો છે.

હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામની સરકારી જમીનોના રેવન્યુ રેકર્ડમાં છેડછાડ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી રમેશ સાકરીયાએ વર્ષ ૨૦૧૬માં મામલતદાર સમક્ષ ખોટી સહીઓવાળા દસ્તાવેજો રજૂ કર્યા હતા. ત્યારબાદ ૨૦૧૬થી ૨૦૨૦ દરમિયાન અન્ય સહ-આરોપીઓએ પણ આ સિન્ડિકેટના ભાગરૃપે અનેક બનાવટી અરજીઓ કરી સરકારી રેકર્ડમાં ફેરફાર કરાવી દીધા હતા. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ને આ પ્રવૃત્તિઓ વિરૃદ્ધ મજબૂત પુરાવા મળતા હળવદ મામલતદારે કુલ ૯ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસ અને તેમની ટીમે આ મામલે તપાસ હાથ ધરી હતી. અગાઉ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓ છગનભાઈ નાગજીભાઈ, માવજીભાઈ ટાભા રાઠોડ, હમીરભાઈ વનાણી અને દિનેશભાઈ વનાણીની ધરપકડ કરી લીધી હતી. જોકે, મુખ્ય સૂત્રધાર રમેશ સાકરીયા લાંબા સમયથી ફરાર હતો, જેને અંતે પોલીસે કોયબા ગામથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસ હવે આ કૌભાંડમાં અન્ય કોઈ મહેસૂલી કર્મચારી કે મોટા માથાઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ ચલાવી રહી છે.

