તારાપુર ચોકડી પર ૧૫મી આગસ્ટની સાંજે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. ટેન્કરે હોટેલ પાર્કિંગમાં ઉભેલા ૮ વાહનોને અડફેટે લેતા અફડાતફડી મચી ગઈ હતી. જો કે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. રિક્ષા ચાલકની ફરિયાદના આધારે તારાપુર પોલીસે સિમેન્ટ ટેન્કરના ડ્રાઇવર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
તારાપુર ચોકડી પર આવેલી લક્ષ્મી વિલાસ હોટેલના પાર્કિંગમાં ગત તા. ૧૫મી ઓગસ્ટની સાંજે ૬.૪૫ વાગ્યાના અરસામાં નિલેશકુમાર શાંતિલાલ બ્રહ્મભટ્ટની રિક્ષા સહિત અન્ય ત્રણ રિક્ષા અને ચાર કાર મળીને ૮ વાહનો ઉભા હતા. ત્યારે વટામણ તરફથી પૂરઝડપે આવી ચડેલી સિમેન્ટની ટેન્કરે હોટલ પાકગમાં ઉભેલી ચાર કાર અને ચાર સીએનજી રીક્ષાને અડફેટે લેતા ચોકડી પર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
એક પછી એક વાહનોને ઊંધા વળતા જોઈ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જો કે, સદનસીબી ગંભીર દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહનિ થવા પામી ન હતી. પરંતુ, ૮ વાહનોને નુકસાન થયું હતું. તારાપુર પોલીસે નિલેશકુમાર શાંતિલાલ બ્રહ્મભટ્ટની ફરિયાદના આધારે ટેન્કરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


