બ્રહ્માંડનો સૌથી મોટો તારો WOH G64 હવે ફાટવાની તૈયારીમાં છે. 2014થી આ તારામાં ખૂબ જ પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ વિશાળ તારો Large Magellanic Cloud ગેલેક્સીમાં સમાયેલો છે. તે લાલ સુપરજાયન્ટમાંથી પીળા હાઇપરજાયન્ટમાં બદલાઈ ગયો છે. આ ઝડપી પરિવર્તન થવાથી એ તારો પોતાની ક્ષમતા ગુમાવી રહ્યો છે અને અસ્થિરતા દર્શાવે છે. એના કારણે ખગોળશાસ્ત્રીઓ માને છે કે તે સુપરનોવા વિસ્ફોટની કગારમાં હોઈ શકે છે. તારો જ્યારે પોતાનું અસ્તિત્વ ગુમાવે છે અને ફાટે છે ત્યારે એને સુપરનોવા કહેવામાં આવે છે.

સૂર્ય કરતાં 1500 ગણો મોટો
1970ના દાયકામાં શોધાયેલો WOH G64 તારો સૂર્ય કરતાં 1500 ગણો મોટો છે. 2024માં ખગોળશાસ્ત્રીઓએ ખૂબ જ મોટા ટેલિસ્કોપ ઇન્ટરફેરોમીટરનો ઉપયોગ કરીને તારાના દરેક રીતે ફોટો લીધા હતા જેમાંથી તેમને ઘણી માહિતી મળી હતી. આ ફોટોમાં તારાની આસપાસ સ્પષ્ટપણે દેખાતું ધૂળિયું કોકૂન જોવા મળ્યું હતું. એ દર્શાવે છે કે આ તારો પોતાની ક્ષમતા ગુમાવી ચૂક્યો છે અને અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે
.2014માં પીળા હાઇપરજાયન્ટ તરીકે ઓળખવામાં આવ્યો
2014માં WOH G64ને પીળા હાઇપરજાયન્ટ તરીકે ઓળખવામાં આવ્યો હતો. આ એક ભાગ્યે જ જોવા મળતો તબક્કો છે જે ઝડપથી આંતરિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે. આ તબક્કામાં તારાઓ તેમની બાહ્ય સ્તરને છોડી દે છે. આ સમયે તેમનું મુખ્ય કેન્દ્રબિંદુ સંકોચાય છે અને તાપમાનમાં વધારો થાય છે. આ પરિવર્તન તેનું બહારનું સ્તર છૂટી જતાં અથવા તો તેની અંદર વધતા ધબકારાને કારણે થઈ શકે છે. સ્પેક્ટ્રલ ડેટા દ્વારા માહિતી મળી હતી કે આ તારાની સાથે એક સાથી તારો પણ હાજર હતો. તેમના પરસ્પરના સંપર્કને કારણે પણ આ તારામાં અસ્થિરતા શરૂ થઈ હતી.
ભાગ્યે જ જોવા મળતું અને સમજની બહારની ઘટના
WOH G64માં જોવા મળી રહેલું પરિવર્તન અને તેનો પીળો રંગ સૂચવે છે કે તેનો હવે વિસ્ફોટ થવાનો છે. જોકે ચોક્કસ સમયની આગાહી કરવી મુશ્કેલ છે. મોટા તારાઓ અંતે ફાટી જ જાય છે, પરંતુ પ્રશ્ન એ છે કે ક્યારે? આપણી ગેલેક્સીની બહાર આ પ્રકારની ઘટના ઘટવી અને એનું નિરીક્ષણ કરવું સંશોધકોને આશ્ચર્યચકિત કરી રહ્યું છે. જો માનવજાત એને સીધું જોઈ શકે તો તારાઓના ભૌતિકશાસ્ત્ર અંગેની સમજણને ઘણું આગળ વધારી શકાય છે.

