TECHNOLOGY : મહિલાઓની પ્રાઇવસી માટે…

0
14
meetarticle

ભારતમાં આપણે પોતાના પ્રીપેઇડ મોબાઇલ નંબરને રિચાર્જ કરવો હોય તો મોટા ભાગના લોકો આ કામ સહેલાઈથી ઓનલાઇન કરી લે છે. પરંતુ હજી પણ બહુ મોટો વર્ગ એવો છે જે નજીકની દુકાને જઇને રોકડ રૂપિયા આપીને પોતાનો પ્રીપેઇડ નંબર રિચાર્જ કરાવે છે.

આવા લોકોમાં મહિલાઓનું પ્રમાણ પણ બહુ મોટું છે.

મહિલાઓ આસપાસની દુકાને જઇને પોતાનો મોબાઇલ પ્લાન રિચાર્જ કરાવે ત્યારે તેમણે દેખીતી રીતે પોતાનો મોબાઇલ નંબર દુકાનદારને આપવો પડે છે. દુકાનદાર કદાચ ભરોસાપાત્ર હોય પરંતુ દુકાનમાં આસપાસ ઊભેલા અન્ય લોકો કેવા હશે એ કહી ન શકાય. તેમાંથી કોઈ પણ વ્યક્તિ મહિલાએ બોલેલો પોતાનો નંબર યાદ રાખીને પછી તેને એ નંબર પર પરેશાન કરી શકે છે.ભારત સરકારના ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)એ આનો એક ઉપાય શોધ્યો છે.

 આ માટે લોન્ચ થયેલી નવી સર્વિસને નામ આપવામાં આવ્યું છે ‘બીએસએનએલ કવચ’. કંપનીએ હમણાં ગયેલા મહિલા દિને મહિલાઓ માટે ‘બીએસએનએલ કવચ’ નામની આ નવી સર્વિસ લોન્ચ કર્યાની જાહેરાત કરી. આ સર્વિસ વાસ્તવમાં કંપની તરફથી એક નવો, ટેમ્પરરી નંબર મેળવવા વિશે છે. 

કંપનીના કહેવા મુજબ ‘તમારો નંબર તમારી અંગત બાબત છે, તમારી સલામતી પણ બહુ મહત્ત્વની છે એટલે જ બીએસએનએલ કવચ નંબરની મદદથી મહિલાઓ પોતાનો અસલી ફોન નંબર જણાવ્યા વિના તેને રિચાર્જ કરી શકે છે.’ 

આ વ્યવસ્થા હેઠળ મહિલાઓ પોતાના અસલી મોબાઇલ નંબર સાથે લિંક્ડ હોય એવો એક અલગ મોબાઇલ નંબર મેળવી શકે છે. આ નંબર તેમને એસએમએસ દ્વારા મોકલવામાં આવે છે. આ નંબર કામચલાઉ હોય છે અને તેનો વધારાના મોબાઇલ કનેકશન તરીકે ઉપયોગ થઈ શકતો નથી. મહિલાઓ કોઈ પણ દુકાને જઇને પોતાના અસલી મોબાઇલ નંબરને બદલે આ કામચલાઉ નંબર આપી શકે છે અને તેની મદદથી તેમનો અસલી મોબાઇલ નંબર  રિચાર્જ થાય છે. જોકે હજી સવાલો છે…

બીએસએનએલની આ પહેલ સારી છે પરંતુ તેના વિશે હજી ઘણા સવાલો ઊભા રહે છે. એવું લાગે છે કે કંપનીએ કવચ સર્વિસની જાહેરાત તો કરી દીધી છે પરંતુ હજી તેના પોતાના સ્ટાફને તેના વિશે પૂરતી માહિતી આપવામાં આવી નથી. કવચ વ્યવસ્થા હેઠળ નવો કામચલાઉ નંબર કેવી રીતે મેળવવો તેના વિશે હજી અસ્પષ્ટતા છે. 

આ નંબર કેટલા સમય સુધી લાગુ રહેશે તેની પણ સ્પષ્ટતા નથી. ઉપરાંત મોબાઇલ રિચાર્જ સમયે પોતાનો નંબર ખાનગી રાખવાનો મુદ્દો ફક્ત મહિલાઓ પૂરતો સીમિત નથી, પુરૂષો પણ તેમનો નંબર સરેઆમ ફરતો થાય અને તેમના પર સ્પામ કોલ્સનો મારો થાય એવું ઇચ્છતા ન હોય. તેઓ પણ આવી રીતે કામચલાઉ નંબર મેળવી શકે કે નહીં તેની સ્પષ્ટતા નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here