પૈસાદાર અને અંતરિક્ષમાં રસ હોય એ લોકો માટે એક સારા સમાચાર આવી રહ્યાં છે. હવે બે કરોડ રૂપિયામાં ચંદ્ર પર એક હોટેલ બુક કરી શકાશે. એક ગેલેક્ટિક રિસોર્સ યુટિલાઇઝેશન સ્પેસ કંપની (GRU) દ્વારા ચંદ્ર પર કોમ્પ્લેક્સ હેબિટેટ્સ બનાવવામાં આવી રહ્યાં છે. આ ઘણાં બધા કોમ્પ્લેક્સને ભેગા કરીને એક હોટેલ તૈયાર કરવામાં આવી છે. સેન ફ્રાન્સિસ્કોની પેલેસ ઓફ ધ ફાઇન આર્ટ્સ પરથી પ્રેરિત થઈને આ હોટેલની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ હોટેલમાં રહેવા માગતા કસ્ટમર હવે 2,50,000થી એક મિલિયન અમેરિકન ડોલર એટલે કે અંદાજે બે કરોડ રૂપિયાથી લઈને 9 કરોડ રૂપિયા ચૂકવીને તેમનું સ્ટે બુક કરાવી શકે છે. આવનારા છ વર્ષની અંદર તેમને ચંદ્ર પર રહેવા માટેનું રિઝર્વેશન મળી જશે.

GRUનું સ્પેસને લઈને મહત્ત્વાકાંક્ષી વિઝન
GRU સ્પેસના ફાઉન્ડર સ્કાઇલર ચેનનું બાળપણનું સપનું હતું કે તેમણે અંતરિક્ષ યાત્રી બનવું હતું. જોકે ત્યાર બાદ એને અહેસાસ થયો કે તે સ્પેસ ટ્રાવેલને દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ કરીને દુનિયા પર ખૂબ જ મોટી અસર છોડી શકે છે. આથી તેણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ સ્કાઇલરે ટેસ્લા કંપનીમાં પણ કામ કર્યું હતું. નાસા દ્વારા સ્પેસમાં મોકલવામાં આવેલું 3D પ્રિન્ટર પણ તેણે બનાવ્યું હતું.
સ્પેસમાં લાંબા સમય માટે હોટેલ બનાવવાનું પ્લાનિંગ
GRU ખૂબ જ લાંબા સમય માટે સ્પેસમાં ટકી રહેવા માગે છે. તે ચંદ્ર, મંગળ, એસ્ટરોઇડ્સ અને અંતરિક્ષની અન્ય સોર્સની મદદથી સ્પેસમાં માનવીઓનું રહેવું શક્ય બનાવવા માગે છે. GRUના આ મહત્ત્વાકાંક્ષી પ્રોગ્રામ માટે તેને ફંડિંગ પણ મળી રહ્યું છે. Y કોમ્બિનેટર, સ્પેસએક્સ અને એન્ડુરિલ જેવી કંપનીઓ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે. તે આ વર્ષે ત્રણ મહિના માટેનું ત્યાં પ્રોગ્રામ કરશે.
GRU બનાવશે ચંદ્ર પર હોટેલ
GRU દ્વારા 2029માં સૌથી પહેલું 10 કિલોનું પેલોડ મોકલવામાં આવશે. તેઓ ઇન્ફ્લેટેબલ સ્ટ્રક્ચરને ચંદ્ર પર મોકલી એક ટેસ્ટ કરવા માગે છે. ત્યાર બાદ જિયોપોલિમર્સનો ઉપયોગ કરીને ત્યાં હોટેલ બનાવવામાં આવશે. 2031માં તેમના દ્વારા ખૂબ જ વધુ પ્રમાણમાં પેલોડ મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવશે. 2032માં હોટેલ બનાવી ત્યાર બાદ એને એક્સપાન્ડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. હોટેલની જ્યારે શરૂઆત કરવામાં આવશે ત્યારે ચાર વ્યક્તિ ત્યાં એક સાથે રહી શકશે એવી ચર્ચા છે.

