ગૂગલ પે દ્વારા બાળકોને ડિજિટલ પેમેન્ટની દુનિયામાં સુરક્ષિત રીતે પ્રવેશ કરાવવા માટે ‘પોકેટ મની’ નામનું એક નવું અને ઉપયોગી ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ સુવિધા દ્વારા માતા-પિતા પોતાના બેન્ક એકાઉન્ટને બાળકોના ગૂગલ પે સાથે જોડી શકે છે, જેથી બાળકોને રોકડ રકમ આપવાને બદલે ડિજિટલ રીતે પોકેટ મની આપી શકાય.

‘Pocket Money’ શું છે?
જેવી રીતે તમે તમારા ખિસ્સામાં/પોકેટમાં પૈસા રાખો છો, તેવી જ રીતે આ એક ડિજિટલ પોકેટ છે. જેમાં તમે થોડા પૈસા રાખી શકો છો, જે તમારે નાના-મોટા છૂટક ખર્ચ માટે હોય. ચા-નાસ્તો કે નાના પેમેન્ટ કરવા માટે વારંવાર PIN નાખવો ન પડે અને બેન્ક સ્ટેટમેન્ટમાં નાની-નાની એન્ટ્રીઓનો ઢગલો ન થાય. આમાં તમે તમારા મેઈન બેન્ક એકાઉન્ટમાંથી 2000-5000 રૂપિયા એક અલગ ‘ડિજિટલ પાકીટ’માં રાખી શકો છો. UPI Lite અથવા Wallet જેવી સુવિધાની સમજૂતી છે, જેને લોકો ઘણીવાર વ્યવહારુ ભાષામાં ‘પોકેટ મની’ કહી શકાય. આ ફીચરનો હવે બાળકો માટે પણ ઉપયોગ કરી શકાશે.
શું છે આ ફીચર અને કેવી રીતે કામ કરે છે?
આ ફીચર મુખ્યત્વે ‘UPI સર્કલ’ સિસ્ટમ પર આધારિત છે. આમાં માતા-પિતા મુખ્ય યુઝર તરીકે રહે છે અને તેઓ પોતાના બાળકો અથવા પરિવારના અન્ય સભ્યોને પેમેન્ટ કરવાની મંજૂરી આપી શકે છે. આ સુવિધાનો સૌથી મોટો ફાયદો એ છે કે બાળકનું પોતાનું બેન્ક એકાઉન્ટ હોવું જરૂરી નથી; પૈસા સીધા માતા-પિતાના ખાતામાંથી જ કપાય છે. એક વાલી પોતાના એકાઉન્ટ સાથે મહત્તમ પાંચ સેકન્ડરી યુઝર્સને જોડી શકે છે.
ખર્ચ પર નિયંત્રણ રાખવાની બે રીતો
માતા-પિતા બાળકોના ખર્ચ પર સંપૂર્ણ નજર અને નિયંત્રણ રાખી શકે તે માટે ગૂગલ પે બે વિકલ્પો આપે છે.
1. માસિક મર્યાદા: આમાં વાલીઓ દર મહિને રૂ.15,000 સુધીની મર્યાદા નક્કી કરી શકે છે. આ નક્કી કરેલી રકમની અંદર બાળક વારંવાર વાલીની મંજૂરી લીધા વગર પેમેન્ટ કરી શકે છે. આ એક રીતે પ્રીપેડ એલાઉન્સ જેવું કામ કરે છે.
2. દરેક પેમેન્ટ પર મંજૂરી: જો વાલીઓ મર્યાદા નક્કી કરવા ન માંગતા હોય, તો તેઓ આ બીજો વિકલ્પ પસંદ કરી શકે છે. આમાં બાળક જ્યારે પણ પેમેન્ટ કરવાનો પ્રયત્ન કરશે, ત્યારે માતા-પિતાના ફોન પર એક રિક્વેસ્ટ આવશે. વાલી પોતાના ફોનથી તેને એપ્રૂવ કરશે ત્યારે જ ટ્રાન્ઝેક્શન પૂર્ણ થશે.
સુરક્ષા અને વેરિફિકેશન
બેન્કિંગ નિયમોનું પાલન કરવા અને સુરક્ષા જાળવી રાખવા માટે, માતા-પિતાએ સેકન્ડરી યુઝર (બાળક)ની વિગતો વેરિફાય કરવી પડશે. આ માટે બાળક સાથેના સંબંધ દર્શાવતા સરકારી ઓળખપત્રની જરૂર પડી શકે છે.
શું આ કોઈ સ્કેમ છે?
સોશિયલ મીડિયા (જેમ કે વોટ્સએપ)પર આ ફીચરને લઈને કેટલાક ભ્રામક મેસેજ અને ઓડિયો વાઈરલ થઈ રહ્યા છે, જેમાં તેને સ્કેમ ગણાવવામાં આવી રહ્યો છે. પરંતુ હકીકતમાં આ ગૂગલ પેનું સત્તાવાર ફીચર છે જે ડિજિટલ પેમેન્ટને વધુ સરળ અને સુરક્ષિત બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. વાલીઓએ માત્ર એટલી જ સાવચેતી રાખવાની છે કે તેઓ પોતાની મંજૂરી આપતી વખતે અને લિમિટ સેટ કરતી વખતે સાવધ રહે.
આ કોઈ ફ્રોડ નથી
– આ ગૂગલ પેનું સત્તાવાર ફીચર છે.
– માત્ર icon દેખાવાથી પૈસા કપાતા નથી
– તમારી મંજૂરી વગર કોઈ ટ્રાન્ઝેક્શન થતું નથી.
– ફ્રોડ લોકો PIN માગીને અથવા trick કરીને પૈસા લઇ જાય છે, ફીચરના કારણે નહીં.
Pocket Money કેવી રીતે ઉપયોગ કરવો?
– તમારા મોબાઇલમાં ગૂગલ પે ખોલો.
– હોમ સ્ક્રીન પર ‘Pocket Money’ ઓપ્શન પર ક્લિક કરો.
– જો સેટઅપ ન કર્યું હોય તો ‘Activate’ અથવા ‘Set up’ કરો.
– તમારા બેન્ક એકાઉન્ટમાંથી થોડા પૈસા એડ કરો.
– જેનાથી તમે નાના પેમેન્ટ્સ સરળતાથી કરી શકો.
