ચીને ફરી એકવાર સ્પેસ ટેકનોલોજીમાં પોતાનું પ્રભુત્વ દર્શાવતાં અંતરિક્ષમાં ૩૬,૦૦૦ કિલોમીટરની ઉંચાઇ પરથી તેના સિન્થેટિક અપર્ચર રડાર સેટેલાઇટ દ્વારા મહાસાગરમાંથી પસાર થતાં જાપાનના જહાજની લેવામાં આવેલી હાઇ રેઝોલ્યુશન તસવીરો જારી કરી છે. આ સાથે ચીને અવકાશમાં અમેરિકાની ઉપર પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે.

ચીને દર્શાવ્યું છે કે તે હવે દુનિયામાં અમેરિકા જ નહીં કોઈપણ જહાજોને ગમે તેવા હવામાનમાં ૨૪ કલાક ટ્રેક કરી શકે છે. અંતરિક્ષમાં ૩૬,૦૦૦ કિ.મી.ની ઊંચાઈ પર સ્થિત ચીનના માઇક્રોવેવ સિગ્નલ ટેકનિકથી સજ્જ સેટેલાઇટ હવામાનની તમામ સમસ્યાઓને વટાવીને ૨૪ કલાક હાઇ રેઝોલ્યુશન તસવીરો લેવામાં સક્ષમ છે. ચીને આ સેટેલાઇટની કામગીરીથી અંતરિક્ષમાંથી જાસૂસી કરવાના મામલે અમેરિકા કરતાં આગળ નીકળી ગયું હોવાનું દર્શાવ્યું છે.
ચીનના આ સેટેલાઇટના એક સ્કેનમાં હજારો કિલોમીટરનો સમુદ્રી વિસ્તાર આવરાઇ જાય છે. પૃથ્વીની નીચલી કક્ષામાં હયાત અમેરિકન સેટેલાઇટ્સ પર ઇલેકટ્રોનિક હથિયારો અથવા એન્ટી સેટેલાઇટ મિસાઇલો દ્વારા હુમલા કરવાનું શક્ય છે પણ ૩૬,૦૦૦ કિલોમીટરની ઉંચાઇએથી કામ કરતાં આ ચીની સેટેલાઇટ સુધી પહોંચવું શક્ય ન હોઇ તે એકદમ સુરક્ષિત છે.
ચીને સાઉથ ચાઇના સી વિસ્તારમાં આવેલાં સ્પેટલી ટાપુ પાસેથી પસાર થઇ રહેલાં જાપાનના ઓઇલ ટેન્કર તોવા મારુની કેટલીક રડાર તસવીરો જારી કરી છે. ૩૪૦ મીટર લાંબા અને ૬૦ મીટર પહોળાં કદનું આ ટેન્કર કદમાં કોઇપણ વિમાનવાહક જહાજ સમાન છે. ચીને દાવો કર્યો છે કે પૃથ્વીથી ૩૫,૮૦૦ કિલોમીટર દૂર જિયોસિન્ક્રોનસ ઓર્બિટમાં મોજૂદ પોતાના સેટેલાઇટ દ્વારા તેણે આ જહાજનું ટ્રેકિંગ કર્યું છે. ઇતિહાસમાં પહેલીવાર કોઇ સિન્થેટિક અપર્ચર રડાર-એસએઆર-સેટેલાઇટ દ્વારા આટલી ઉંચાઇએથી કોઇ હાલતાં ચાલતાં ટાર્ગેટ પર નજર રાખવામાં આવી છે.
ચીનની આ સિદ્ધિનો અર્થ એ છે કે ચીનને આખી દુનિયામાં યુએસના નેવી જહાજો પર ચોવીસે કલાક કોઇપણ હવામાનમાં નજર રાખવા માટે આવા માત્ર ત્રણ સેટેલાઇટની જ જરૂર છે. આની સરખામણીમાં યુએસના સૌથી હાઇટેક સેટેલાઇટ પૃથ્વીથી થોડા સો કિલોમીટરના અંતરેથી કામ કરે છે. યુએસને ચીન જેવું ગ્લોબલ ટ્રેકિંગ કરવું હોય તો તેને અંતરિક્ષમાં સેંકડો સેટેલાઇટ તહેનાત કરવા પડે. હાઇપરસોનિક શસ્ત્રો, છઠ્ઠી પેઢીના ફાઇટર જેટ વિમાનો અને ઇલેકટ્રોનિક વોરફેર બાદ ચીન હવે અંતરિક્ષમાંથી થતી જાસૂસીના મામલે પણ યુએસ કરતાં એક ડગલું આગળ નીકળી ગયું છે.
સામાન્ય રીતે મહાસાગરમાં હિચકોલાં લેતાં વિરાટ જહાજ પર સતત નજર રાખવાનું કામ અશક્ય મનાતું હતું પણ ચીનના આ સેટેલાઇટે ઓઇલ ટેન્કર તોવા મારુના ટ્રેકિંગમાં માત્ર ત્રણ કિમીની જ ભૂલ થવાની સંભાવના દર્શાવી હતી. અન્ય જહાજોનું ટ્રેકિંગ તો આનાથી વધુ ચોકસાઇથી કરવામાં આવ્યું હતું. આ સેટેલાઇટ દ્વારા મળતો ડેટા એટલે ચોકસાઇપૂર્ણ હોય છે કે ચીન ધારે તો દુશ્મનના જહાજ પર તેના થકી નિશાન તાકી એન્ટી શિપ મિસાઇલ છોડી શકે છે. સમુદ્રની લહેરોને કારણે રડારમાં બેકગ્રાઉન્ડ અવાજો ખૂબ આવે પણ આ ચીની સેટેલાઇટમાં એવી અત્યાધુનિક સિસ્ટમ બેસાડવામાં આવી છે કે તે આ તમામ અવાજોને દૂર કરી ધીમા સિગ્નલ્સને અલગ તારવી લે છે.

