ચીનના રિસર્ચર્સે એક ક્રાંતિકારી સર્જિકલ રોબોટ બનાવ્યો છે, જે જટિલ બ્રેન ઈમેજિંગ પ્રક્રિયાઓ મેન્યુઅલ ટેક્નિક્સ કરતાં લગભગ 30% ઝડપથી કરી શકે છે. આ મહત્ત્વપૂર્ણ સફળતા અંગે આ વર્ષની શરૂઆતમાં પ્રકાશિત થયેલી એક સ્ટડીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એને વિશ્વની પ્રથમ મંજૂર થયેલી સેરેબ્રોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શન સિસ્ટમ માટે મોટું માઇલસ્ટોન માનવામાં આવે છે. આ નવી ટેક્નોલોજી બ્રેન સંબંધિત વિવિધ બીમારીઓના ઈલાજમાં ઉપયોગી સેરેબ્રલ વાસ્ક્યુલર ઈમેજિંગને વધુ અસરકારક અને સુરક્ષિત બનાવશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

નવા રોબોટિક સિસ્ટમને કેવી રીતે બનાવવામાં આવી?
જાણીતી પેકિંગ યુનિયન મેડિકલ કોલેજ હોસ્પિટલ (PUMCH)માં યોજાયેલી એક કોમ્પિટિશનમાં એક યુવા સર્જને મેન્યુઅલ પ્રક્રિયા કરતાં નવ મિનિટ ઓછા સમયમાં પ્રક્રિયા પૂર્ણ કરી શકે એવી નવી રોબોટિક સિસ્ટમ બનાવી હતી. સ્ટડીના ઓથર ડૉ. ઝાઓ યુઆનલીએ Chinese Neurosurgical Journalમાં લખ્યું હતું કે, ‘શરૂઆતના ક્લિનિકલ એપ્લિકેશનમાં જોવા મળ્યું છે કે YDHB-NS01 રોબોટ આસિસ્ટેડ સિસ્ટમ ડાયગ્નોસ્ટિક સેરેબ્રલ એન્જિયોગ્રાફી માટે શક્ય છે અને સુરક્ષા તેમજ પ્રક્રિયાની કામગીરીમાં હાલની પદ્ધતિઓ જેટલી જ અસરકારક દેખાય છે.’
સેરેબ્રલ વાસ્ક્યુલર ઈમેજિંગ શું છે?
સેરેબ્રલ વાસ્ક્યુલર ઈમેજિંગ બ્રેન સંબંધિત અનેક બીમારીઓના ઈલાજ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે, પરંતુ તે દર્દી અને ડૉક્ટર બંને માટે જટિલ અને પડકારજનક પ્રક્રિયા છે. હાલની પ્રક્રિયામાં ન્યુરોલોજિસ્ટને દર્દીના થાઈમાંથી પાતળી વાયરને X-રે ફ્લોરોસ્કોપી હેઠળ બ્રેનની રક્ત નળીઓ સુધી હાથથી માર્ગદર્શન આપવું પડે છે. આ પ્રક્રિયાની પણ ઘણી મર્યાદાઓ છે, જેમાં હાથ ધ્રુજવાનું જોખમ અને રેડિએશનથી બચવા માટે પહેરવામાં આવતો ભારે લીડ ગાઉનને કારણે શારીરિક થાક લાગી શકે છે.નવી રોબોટિક સિસ્ટમના ફાયદા
હાલની પ્રક્રિયા દરમિયાન લાંબા સમય સુધી રેડિએશનનો સંપર્ક ડૉક્ટરો માટે આરોગ્ય જોખમ પણ ઊભું કરે છે. નવી રોબોટિક સિસ્ટમના ઉપયોગથી પ્રક્રિયાનો સમય ઘટાડી શકાય છે અને સર્જન્સ પરનો શારીરિક થાક પણ ઓછો થાય છે. ખાસ કરીને બ્રેન સંબંધિત વિવિધ બીમારીઓના ઈલાજમાં તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ધ્યાનમાં લેતાં બ્રેન ઈમેજિંગને વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવામાં આ રોબોટિક સિસ્ટમ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

