નિસાન ઇન્ડિયાએ તેની નવી કોમ્પેક્ટ MPV ‘ગ્રેવાઇટ’ને ભારતીય બજારમાં લોન્ચ કરી છે. કંપનીએ તેની શરૂઆતની કિંમત ₹5.65 લાખ (એક્સ-શોરૂમ) રાખી છે. આ કિંમત શરૂઆતના 5 હજાર ગ્રાહકો માટે લાગુ પડશે. ‘ગ્રેવાઇટ’ને ‘રેનો ટ્રાઇબર’ના પ્લેટફોર્મ પર જ બનાવવામાં આવી છે.

5 હજાર ગ્રાહકોને 5 વર્ષ સુધી ફ્રી સર્વિસ
‘ગ્રેવાઇટ’ પર 3 વર્ષ અથવા 1 લાખ કિમીની સ્ટાન્ડર્ડ વોરંટી મળશે. પરંતુ ગ્રાહકો તેને પોતાની જરૂરિયાત મુજબ 10 વર્ષ અથવા 2 લાખ કિલોમીટર સુધી વધારી શકે છે.પહેલા 5 હજાર ગ્રાહકોને શરૂઆતના 5 વર્ષ માટે ‘ઝીરો સર્વિસ કોસ્ટ’નો લાભ મળશે. સાથે જ, આ ગ્રાહકોને કાર અપગ્રેડ કરવા જેવા અન્ય લાભો પણ આપવામાં આવશે.
એન્જિન અને માઇલેજ: 19.3 kmplનો દાવો
નિસાને તેની નવી કાર ‘ગ્રેવાઇટ’માં 1.0-લિટરનું 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપ્યું છે. તે 72hp પાવર અને 96Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીએ સંકેત આપ્યા છે કે, ટૂંક સમયમાં ડીલર લેવલ પર તેમાં ‘ડ્યુઅલ-સિલિન્ડર CNG કિટ’ લગાવવાની સુવિધા પણ મળશે.
- મેન્યુઅલ વેરિઅન્ટ: તેમાં 5-સ્પીડ ગિયરબોક્સ છે અને 19.3 kmplની માઇલેજનો દાવો છે.
- AMT વેરિઅન્ટ: 5-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ છે અને 19.6 kmplની માઇલેજનો દાવો છે.
ઇન્ટિરિયર અને સીટિંગ: 7 લોકોના બેસવાની જગ્યા
કારની અંદર 5+2 સીટિંગ કન્ફિગરેશન મળે છે. ડેશબોર્ડનું લેઆઉટ સરળ છે. તેમાં 8-ઇંચનું ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ડ્રાઇવર માટે 7-ઇંચનું ડિજિટલ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે.
ઇન્ટિરિયરની કલર સ્કીમ અને ટ્રિમ્સ ‘ટ્રાઇબર’થી અલગ છે, જેનાથી તે અંદરથી ફ્રેશ લાગે છે. તેમાં વાયરલેસ ચાર્જિંગ પેડ અને કૂલ્ડ ગ્લવ બોક્સ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.
ફીચર્સ: સેફ્ટી માટે 6 એરબેગ્સ અને ક્રુઝ કંટ્રોલ
નિસાને તેમાં ફીચર્સની લાંબી યાદી આપી છે. ટોપ મોડલ્સમાં વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો, પુશ-બટન સ્ટાર્ટ/સ્ટોપ, ઓટોમેટિક LED હેડલેમ્પ્સ, રેઈન-સેન્સિંગ વાઇપર્સ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ જેવા ફીચર્સ છે. સેફ્ટી માટે તેમાં 6 એરબેગ્સ અને રીઅર પાર્કિંગ સેન્સર આપવામાં આવ્યા છે.
લોન્ચ એડિશન: 1,001 યુનિટ્સ માટે ખાસ ઓફર
કંપનીએ ‘ગ્રેવાઈટ’નું એક ‘લોન્ચ એડિશન’ પણ રજૂ કર્યું છે. તેના ફક્ત 1,001 યુનિટ્સ વેચવામાં આવશે. તેમાં JBLનું સાઉન્ડ સિસ્ટમ, ડેશકેમ, એમ્બિયન્ટ લાઇટિંગ અને એર પ્યુરિફાયર જેવા એક્સ્ટ્રા ફીચર્સ મળશે. તેની કિંમત 8.35 લાખ રૂપિયાથી શરૂ થશે.
10 વર્ષની વોરંટી
મધ્યમ વર્ગના પરિવાર માટે તેના બે મોટા ફાયદા છે…
- એન્જિન કે ગિયરબોક્સ જેવા મોંઘા પાર્ટ્સમાં ખરાબી આવવા પર ખિસ્સા પર બોજ નહીં પડે. લાંબી વોરંટીનો અર્થ છે કે, કંપનીને પોતાની કારની ગુણવત્તા પર પૂરો ભરોસો છે.
- જો તમે 5-6 વર્ષ પછી કાર વેચો છો અને તેના પર વોરંટી બાકી છે, તો ખરીદનાર વધુ પૈસા આપવા તૈયાર થઈ જાય છે. આ માર્કેટમાં જલ્દી અને સારી કિંમતે વેચાય છે.

