TECHNOLOGY : હવામાંથી પેટ્રોલ-ડીઝલ બનાવવાનો દાવો, ચીની સ્ટાર્ટઅપે ચોંકાવ્યું દુનિયાભરને…

0
4
meetarticle

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધને કારણે પેટ્રોલ, ડીઝલ અને ગેસ દરેકમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઇંધણને આજે સોના કરતાં પણ વધુ મહત્ત્વ આપવામાં આવે છે કારણ કે એના લીધે કોઈ પણ દેશની ઇકોનોમી પર અસર પડી શકે છે. જોકે આ ઇંધણ હવે પાણી અને હવામાંથી બની શકે છે એવો એક કંપનીએ દાવો કર્યો છે. શાંઘાઈમાં આવેલી સ્ટાર્ટઅપ કંપની Carbonologyએ દાવો કર્યો છે કે તે માત્ર હવા, પાણી અને રિન્યુએબલ એનર્જીની મદદથી સિંથેટિક ઇંધણ બનાવી શકે છે. મધ્ય પૂર્વમાં વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિઓને કારણે વૈશ્વિક તેલ બજારમાં અનિશ્ચિતતા વચ્ચે આ જાહેરાત કરવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે તેણે એવી પ્રોસેસ તૈયાર કરી છે, જેના દ્વારા વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ પકડીને તેને પેટ્રોલ, ડીઝલ અને જેટ ફ્યુઅલ સહિતના ઉત્પાદનોમાં પરિવર્તિત કરી શકાય છે.

સસ્ટેનેબલ અભિગમ

Carbonology દ્વારા વિકસાવવામાં આવેલી પ્રોસેસમાં સોલાર અને પવન ઊર્જાનો ઉપયોગ કરવામાં આવે છે, જે ટ્રેડિશનલ ફોસિલ ફ્યુઅલ્સની સરખામણીએ વધુ સ્વચ્છ વિકલ્પ માનવામાં આવે છે. આ કંપનીની સ્થાપના 2024માં ટેસ્લાના પૂર્વ એક્ઝિક્યુટિવ દ્વારા કરવામાં આવી હતી. કંપનીનો દાવો છે કે તેણે ઉત્પાદન ખર્ચને એટલો ઘટાડ્યો છે કે તે હાલના ઇંધણના ભાવ સાથે સ્પર્ધા કરી શકે છે અને હવે ચીનમાં મોટા પાયે ઉત્પાદન શરૂ કરવાની તૈયારીમાં છે. જોકે, આ ટેકનોલોજી વિશે વિગતવાર ટેકનિકલ માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી.

આયાતી ક્રૂડ ઓઇલ પર નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ

Carbonologyની આ ટેક્નોલોજી ચીનના આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ માનવામાં આવે છે. હાલમાં ચીન પોતાના કુલ તેલની જરૂરિયાતમાંથી 70%થી વધુ આયાત કરે છે, જેમાંથી મોટો હિસ્સો મધ્ય પૂર્વમાંથી આવે છે. તેમાં પણ ખાસ કરીને ઇરાનમાંથી. આ વિસ્તારમાં ચાલી રહેલા યુદ્ધને કારણે સપ્લાયમાં અવરોધ અને ભાવોમાં ઉથલપાથલ જોવા મળી રહી છે, જેના કારણે વિકલ્પ ઊર્જા સ્ત્રોતોનું મહત્ત્વ વધી રહ્યું છે.

સિંથેટિક ઇંધણની શક્યતા પર એક્સપર્ટમાં શંકા

Carbonologyના દાવાઓ છતાં એક્સપર્ટ સિંથેટિક ઇંધણની કિંમત અને વ્યાપક ઉપયોગ અંગે શંકા વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ડાયરેક્ટ એર કેપ્ચર જેવી ટેકનોલોજીમાં સુધારો થયો છે, પરંતુ અત્યાર સુધી પકડાયેલ કાર્બનનો મોટો ભાગ જમીનમાં સંગ્રહિત કરવામાં આવ્યો છે, તેને ઇંધણમાં પરિવર્તિત કરવામાં આવ્યો નથી. અભ્યાસો મુજબ સિંથેટિક ઇંધણનું ઉત્પાદન હજુ મોંઘું છે અને તેમાં મોટી માત્રામાં ઊર્જાની જરૂર પડે છે, જેના કારણે હાલના સમયમાં તેનો વ્યાપક ઉપયોગ શક્ય માનવામાં આવતો નથી. જોકે ચીન દ્વારા તેને સસ્તામાં બનાવી લેવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here