શહેરના નંદેલાવ માર્ગ પર આવેલી રેલવે ગોદી પાસે ગઈકાલે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ પર અવારનવાર જોવા મળતા ઓવરલોડેડ ડમ્પરોને કારણે અકસ્માતનો ભય રહે છે, જે ફરી એકવાર સાબિત થયો છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ ઘટનામાં, એક ઈનોવા કાર આગળ અને પાછળ ચાલી રહેલા બે ડમ્પરની વચ્ચે ફસાઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ફાટક નજીક આગળ ચાલી રહેલા એક ડમ્પરે અચાનક રિવર્સ લેતા, પાછળ આવી રહેલી ઈનોવા કાર તેના અને પાછળ ઊભેલા બીજા ડમ્પર વચ્ચે દબાઈ ગઈ હતી. કારના ડ્રાઈવરની સમયસૂચકતા અને પાછળના ડમ્પરના ડ્રાઈવરે પણ ઝડપથી બ્રેક મારતા મોટી જાનહાનિ ટળી હતી.
આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. તેઓએ આ માર્ગ પરથી પસાર થતા ઓવરલોડેડ ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવા માટે R.T.O અને તંત્ર પાસે માંગ કરી છે. આ માર્ગ પર દરરોજ મોટા પ્રમાણમાં ઓવરલોડેડ વાહનો પસાર થાય છે, જેના કારણે અન્ય વાહનચાલકોમાં હંમેશા ભયનું વાતાવરણ રહે છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી અપેક્ષા છે.


