થાન તાલુકાના તરણેતર ખાતે વર્ષોથી યોજાતા વિશ્વ પ્રસિધ્ધ ભાતીગળ લોકમેળામાં ગ્રામીણ ઓલમ્પીકનું પણ વિશેષ મહત્વ રહેલું છે ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અંતર્ગત જીલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા તરણેતરના લોકમેળામાં તા.૨૬ થી ૨૮ ઓગષ્ટ દરમ્યાન ૨૦મી ગ્રામીણ ઓલ્મીપક્સ યોજાશે.
આ ગ્રામીણ ઓલ્મીપક્સમાં પ્રથમ દિવસે એટલે ૧૬ વર્ષ સુધીના ભાઈઓ તથા બહેનો માટે ૧૦૦ મીટર દોડ ૨૦૦ મીટર દોડ ૮૦૦ મીટર દોડ લાંબીકુદની રમતો યોજાશે. જયારે ઓપન કેટેગરીના ભાઈઓ તથા બહેનો માટે ટુકી દોડ,લાંબી દોડ,ગોળાફેંક,લંગડીની સ્પર્ધા યોજાશે. બીજા દિવસે ઓપન કેટેગરીના ભાઈઓ તથા બહેનો માટે નારીયેળ ફેંક, માટલા દોડ વોલીબોલ કબડ્ડી માટેની સ્પર્ધા યોજાશે. જયારે ભાઈઓ માટે સ્ટ્રોન્ગેસ્ટમેન ખાંડના લાડવા ખાવાની હરીફાઇ સાતોડી (નારગોલ)ની સ્પર્ધા યોજાશે. ત્રીજા દિવસે ૧૬ વર્ષ સુધીના બહેનો માટે દોરડાકુદ (રોપ સ્કીંપીંગ) તેમજ ઓપન કેટેગરીમાં ભાઈઓ માટે કુસ્તી (૪૫ થી ૫૫ ક્રિગ્રા,૫૫ થી ૬૮ ક્રિગ્રા અને ૬૮ ક્રિ.ગ્રા ઉપરના વજન માટે, રસ્સાખેંચની સ્પર્ધા યોજાશે. ગ્રામીણ ઓલ્મીપક્સમાં ઉપરોક્ત વિવિધ રમતોમાં રાજ્યના રમતવીરો ભાગ લઈ શકશે. જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છુક ભાઇઓ, બહેનોએ એન્ટ્રીફોર્મ જિલ્લા રમત વિકાસ અધિકારી સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્પીનીંગ મીલ સામે, મીલ રોડ, મું.લીંબડી જી-સુરેન્દ્રનગર ખાતેથી મેળવી લેવાનાં રહેશે. ઉલ્લેખનીય છે કે સ્પર્ધામાં વિવિધ રમતોમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે રમતગમત વિભાગની કચેરી દ્વારા ટી શર્ટ તેમજ કેપ આપવામાં આવે છે અને વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવે છે.


