સગીરા પર દુષ્કર્મ આચરવા સબબ વર્ષ ૨૦૨૧માં નોંધાયેલા પોક્સો એકટ હેઠળના ગુના સંબંધેનો કેસ ચાલી જતાં ગાંધીનગર કોર્ટ દ્વારા ૨૦ વર્ષની કેદની સજા ફરમાવાયાની સાથે કોર્ટમાંથી નાશી છુટેલા આરોપીને અરવલ્લી જિલ્લાની બાયડ પોલીસ દ્વારા બાયડના ડેમાઇ રોડ પરથી ઝડપી લેવામાં સફળતા મેળવી છે. ગાંધીનગર કોર્ટમાંથી આરોપી નાસી ગયાના બનાવે ગાંધીનગર સહિત પોલીસ બેડામાં ભારે ચકચાર મચાવી દીધી હતી.
ગાંધીનગર કોર્ટમાંથી કોઇ આરોપી કે ગુનેગાર ભાગી છુટવાના આ વધુએક બનાવની વિગત મુજબ ધોળાકુવા ગામે રહેતા પરિવારે તેની ૧૫ વર્ષની સગીર દિકરીને લગ્નની લાલચ દઇને વાલીપણામાંથી ભગાડી જઇ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ મુળ દાહોદના ઝાલોદ તાલુકાના વરોડ ગામના વતની અને પાંચ વર્ષ પહેલા બનાવ બન્યો ત્યારે અમદાવાદમાં નિકોલ પીરાણા રોડ પર મિરોલી ગામે રહેતા ૨૦ વર્ષના લાલા રામસીંગ ગજસીંગ ડાંગી સામે ઇન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આરોપીએ સગીર બાળાને ગાંધીનગર, અમદાવાદ અને રાજસ્થાનમાં જુદા જુદા સ્થળોએ લઇને અવારનવાર દુષ્કર્મ કર્યુ હતું. આ સંબંધે પોલીસ દ્વારા પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. દરમિયાન આરોપીને જામીન પણ મળ્યા હતાં. ગત બુધવારે આરોપી તેના વકીલ સાથે કોર્ટમાં હાજર થયો હતો. ત્યારે કોર્ટ દ્વારા આ કેસનો ચૂકાદો આપવાની સાથે આરોપીને ૨૦ વર્ષની જેલ ભોગવવા આદેશ આપવામાં આવ્યો હતો. આ સજા સાંભળવાની સાથે આરોપીએ દોટ મુકી હતી અને નાસી છુટયો હતો. પોલીસ દ્વારા તેને પકડવા પીછો કરાયો હતો. પરંતુ સફળતા મળી ન હતી. દરમિયાન બાયડ પોલીસના ઇન્સપેક્ટર બી. બી. ડાભાણી સહિતની ટીમ તેના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં. તે દરમિયાન ડેમાઇ રોડ પર આરોપીને શકમંદ હાલતમાં જોવામાં આવ્યો હતો. પોલીસે મિડીયાના માધ્યમથી મળેલા ફોટો સાથે સરખાવતા આરોપી લાલો ડાંગી હોવાનું નક્કી થતાં તેને દબોચી લીધો હતો.


