WORLD : અમેરિકામાં ટ્રમ્પના શાસનમાં અર્થતંત્ર ડામાડોળ

0
67
meetarticle

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ભારત સાથે ટ્રેડ ડીલ ન થતાં ભારત-રશિયાને ડેડ ઇકોનોમી કહ્યા હતા, પરંતુ વાસ્તવમાં સ્થિતિ તેનાથી વિપરીત છે. અમેરિકા પોતે ડેડ ઇકોનોમી બનવા જઈ રહ્યુ છે. આ વાત બીજું કોઈ નહીં અમેરિકન અર્થતંત્રના જ આંકડા કહી રહ્યા છે. ગયા વર્ષે ૨.૮૦ ટકાનો વૃદ્ધિદર ધરાવતુ અમેરિકન અર્થતંત્ર ટ્રમ્પના કાર્યકાળના પ્રથમ છ મહિનામાં ૧.૩ ટકાથી પણ નીચો વૃદ્ધિદર ધરાવે છે. આના પરથી જ સમજાય છે કે ટ્રમ્પ ભારત અને ચીન સાથે ટ્રેડ ડીલ કરવા કેમ રઘવાયા થયા છે.

ટ્રમ્પની અતાર્કિક નાણાકીય નીતિઓના કારણે અમેરિકન અર્થતંત્ર તળિયે જવા બેઠું છે તેવું અમેરિકન આર્થિક નિષ્ણાતો ઢોલ પીટીને કહી રહ્યા છે. નિષ્ણાતોને ચિંતા એ છે કે ટ્રમ્પના શાસનના પહેલાં છ મહિનામાં જ આ સ્થિતિ છે તો આગળ અમેરિકાના અર્થતંત્રની સ્થિતિ શું થશે. જ્યારે બારતીય અર્થતંત્ર તો ચાલુ વર્ષે છ ટકાના દરે વિકાસ પામશે તેમ બધા કહે છે. ઘણા અમેરિકનોનું કહેવું છે કે ટ્રમ્પ હવે વિશ્વની ચિંતા છોડીને અમેરિકાની ચિંતા કરે તો તે વધારે સારું રહેશે. અમેરિકન ઇકોનોમીની તેજીનો પુરાવો હોય તો તેના દર મહિને જોવા મળતાં જોબ હાયરિંગના આંકડા છે.

જુલાઈમાં જોબ હાયરિંગ મેમાં ૧૯,૦૦૦, જુનમાં ૧૪,૦૦૦ અને જુલાઈમાં ૭૩,૦૦૦ હતુ. આ આંકડા ૨.૫૮ લાખ હાયરિંગની અપેક્ષાની તુલનાએ નોંધપાત્ર પ્રમાણમાં ઓછા હતા. તેમા પણ જુલાઈમાં ૧,૧૫ લાખની અપેક્ષા સામે ફક્ત ૭૩,૦૦૦નું જ હાયરિંગ થયું હતું.આ આંકડા બતાવે છે કે અમેરિકામાં ૨૦૨૫માં દર મહિને સરેરાશ ૮૫ હજાર લોકોને જ જોબ મળી છે. આ આંકડો ૨૦૨૪ના ૧,૬૮ લાખના સરેરાશ માસિક જોબ હાયરિંગ કરતાં લગભગ અડધો છે. આમ ગયા વર્ષે દર મહિને સરેરાશ ૧.૬૮ લાખ અમેરિકન નોકરીઓ અમેરિકન અર્થતંત્રમાં ઉમેરાઈ હતી. જ્યારે અમેરિકન અર્થતંત્ર કોવિડમાંથી બેઠું થયું ત્યારે ૨૦૨૧થી ૨૦૨૩ દરમિયાન ત્યાં દર મહિને ચાર લાખ જેટલી નોકરીઓ ઇકોનોમીમાં ઉમેરાઈ હતી.

આ નબળા જોબ ડેટા પછી ટ્રમ્પ ઇકોનોમી સુધારવાના બદલે આ ડેટા પૂરી પાડનારી એજન્સીના હેડ એરિકા એન્ટાર્ફેરની હકાલપટ્ટી કરી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે આ આંકડા રાજકીય રીતે પ્રેરિત છે. તે રિપબ્લિકનોને નીચુ દેખાડવા માટે છે. એરિકાની નિમણૂક બાઇડેનના શાસનમાં થઈ હતી. હું તેના કરતાં વધારે સારા અધિકારીને નીમીશ. ટ્રમ્પના આ પગલાના લીધે અમેરિકન આર્થિક જગત, કોર્પોરેટ જગત, કારોબારીઓ માં મોટી હલચલ મચી ગઈ છે. તેનું કારણ એ છે કે અમેરિકાના લેબર માર્કેટના આંકડા આ બધા માટે વિશ્વસનીય મનાય છે. તેમા કશું રાજકારણ આધારિત હોતું નથી. ફક્ત અમેરિકા જ નહીં આખુ વિશ્વ તેની વિશ્વસનીયતાની નોંધ લે છે. હવે ટ્રમ્પે તેમા પણ ઘોંચપરોણા ચાલુ કરતાં તેનો યસ મેન કેટલા વિશ્વાસપાત્ર આંકડા આપશે તે સવાલ બધાને સતાવી રહ્યો છે.

વિપક્ષના આગેવાન ચક શુમરે ટ્રમ્પના નિર્ણયની ટીકા કરતા આગવી શૈલીમાં જણાવ્યું હતું કે ખરાબ આગેવાનને ખરાબ સમાચાર મળે ત્યારે શું કરે, તે ખરાબ સમાચાર લઈ આવનારા સંદેશાવાહને ગોળી મારી દે. ટ્રમ્પે આવું જ કર્યુ છે. નિષ્ણાતોને હજી ડર છે કે ટ્રમ્પના શાસનના પહેલાં જ વર્ષમાં અમેરિકન અર્થતંત્રનો વૃદ્ધિદર એક ટકાથી પણ નીચે ઉતરી જશે. તેના ટેરિફના કારણે આજે અમેરિકન કુટુંબોના માસિક ખર્ચમાં જંગી વધારો થયો છે.આમ અમેરિકન અર્થતંત્રમાં મંદીના ડાકલા ધૂણી રહ્યા છે અને ટ્રમ્પના પગલાં અમેરિકા માટે બૂમરેંગ પુરવાર થઈ રહ્યા છે. ભારતે કદાચ ભૂતકાળમાં જે મોહમ્મદ તખલખને જોયો હતો, તેને અમેરિકા આજે જોઈ રહ્યું હોવાનું લાગે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here