યુનિવર્સિટી રોડ પર જલારામ-4માં મહાલક્ષ્મીનગર શેરી નં.5માં રહેતી અને કાલાવડ રોડ પર આવેલા ડેન્ટલ ક્લિનિકમાં નોકરી કરતી ડો.માનસીબેન ભાદાણી (ઉ.વ. 23)એ તેના પિતાએ પ્રોપટીર્માં રોકાણ કરવા આપેલા રૂા. 80 લાખ આરોપી અરૂણ દેવજીભાઈ ગોંડલિયા (રહે. ગોવિંદ રત્નવિલા બંગલા નં.7, નાનામવા રોડ) ઓળવી ગયાની ફરિયાદ માલવિયાનગર પોલીસમાં નોંધાવી છે.
ફરિયાદમાં માનસીબેને જણાવ્યું છે કે તેના પિતા 2024માં બીમારીને કારણે અવસાન પામ્યા હતા. તેના માતા-પિતાએ 2016ની સાલમાં આરોપી પાસેથી હાલ જયાં રહે છે તે મકાન ખરીદ કર્યું હતું. આરોપી તેમના સુલતાનપુર ગામનો છે. એટલું જ નહીં તેના મોટા બાપુજી વગેરેનો મિત્ર છે. આરોપી પ્રોપર્ટી લે-વેચ અને કન્સ્ટ્રકશનનું કામ કરે છે.
2020માં તેના પિતાએ આરોપીને પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે રૂા. 80 લાખ આપ્યા હતા. આરોપીની રાજનગર ચોકમાં સ્કવેર-૧ બિલ્ડીંગમાં ગુણાતીતા ફાઈનાન્સ નામની ઓફિસે તેના માતા-પિતા રૂબરૂ જઈ આ રકમ આપી આવ્યા હતા. તેના માતા-પિતાએ યુનિ. રોડ પરનો પ્લોટ, ઘરેણાં વેચી અને બચતની રકમ ભેગી કરી આ રકમ આપી હતી.
2024માં તેના પિતા બીમાર પડતા સારવાર માટે પૈસાની જરૂરિયાત પડતાં આરોપી પાસે ઉઘરાણી કરી હતી. પરંતુ આરોપીએ રકમ આપી ન હતી. ત્યાર બાદ તેના પિતાને કમળો થતાં પથારીવશ થઈ ગયા હતા. જેથી સારવારના ખર્ચ માટે તેના માતાએ આરોપી પાસે ફરીથી ઉઘરાણી કરી હતી. મિત્રો અને સગાવ્હાલાઓ મારફત પણ રૂપિયાની માગણી કરી હતી. આ પછી તેના પિતાને સર્જરી માટે ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવારનો ખર્ચ રૂા. 70 થી 80 લાખ જેવો થાય તેમ હતો. જેથી ફરીથી ઉઘરાણી કરવા તેનો ભાઈ વંદન આરોપીના ઘરે ગયો હતો. આમ છતાં આરોપીએ રકમ આપી ન હતી.
2024માં તેના પિતાનું અવસાન થયા બાદ તેના માતાએ ફરીથી ઉઘરાણી કરતાં આરોપીએ મવડીમાં ફલેટ અને મેટોડામાં દુકાન આપવાની વાત કરી હતી. પરંતુ આ પ્રોપર્ટી આપી ન હતી. આ રીતે આરોપી રૂા. 80 લાખ પરત આપતો ન હોવાથી આખરે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેના માતા જાગૃતિબેન હાલ ઓસ્ટ્રેલિયા ગયા છે. જેથી પોતાની ગેરહાજરીમાં તેને ફરિયાદ કરવા માટે કુલમુખત્યારનામું લખી આપ્યું છે.


