બોટાદ સાળંગપુર મંદિરની ફેક વેબસાઈટ બનાવનાર આખરે સાયબર ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઇ ગયો છે. આ સાયબર ક્રિમીનલને પોલીસે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો હતો.
અમરજીત કુમાર નામના આરોપીને ઉત્તરપ્રદેશથી ઝડપી પાડ્યો
સાયબર ક્રાઇમે અમરજીત કુમાર નામના આરોપીને ઉત્તરપ્રદેશથી ઝડપી પાડ્યો છે જેણે સાળંગપુર મંદિરની ફેક વેબસાઇટ બનાવી હતી. ફેક વેબસાઇટ દ્વારા અમરજીત કુમારે બુકીંગના નામે ભક્તો પાસેથી પૈસા પડાવતો હતો.
ભેજાબાજે હનુમાનજી મંદિર ટ્રસ્ટ સહિત 46 ફેક વેબસાઇટ બનાવી
આરોપી બુકિંગના નામે તથા ધર્મશાળામાં રોકાવા માટે ભક્તો પાસેથી પૈસા પડાવતો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ભેજાબાજે હનુમાનજી મંદિર ટ્રસ્ટ સહિત 46 ફેક વેબસાઇટ બનાવી છે . પોલીસે આરોપીની ધરપકડ કરી આ મામલાની ઉંડી તપાસ શરુ કરી છે. તેણે ક્યારે ફેક વેબસાઇટ બનાવી અને કેટલા ભક્તો પાસેથી બુકીંગના નામે પૈસા ઉઘરાવેલા છે અને તેના કોઇ સાગરીતો છે કે કેમ તે સહિતના મુદ્દા પર તપાસ શરુ કરાઇ છે.
મંદિર ટ્રસ્ટે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી
આરોપી સાળંગપુર મંદિરની ઘર્મ શાળાના નામે ફેક વેબસાઈટ બનાવી રૂમ બુકીંગ બાબતે હરિભક્તો ઠગાઇ આચરતો હતો અને પૈસા પડાવતો હતો. હરિભક્તોએ સાળંગપુર હનુમાનજી મંદિર ટ્રસ્ટમાં ફરીયાદ કરતા મંદિર ટ્રસ્ટે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી
અલગ અલગ ડોમેઇન સર્વરનો ઉપયોગ કરી ફેક વેબસાઇટ બનાવી
સાયબર ક્રાઈમ પોલીસે આરોપીને ઝડપીને તપાસ કરતા આરોપીએ 46 જેટલી ફેક વેબસાઈટ બનાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તેણે Hostinger ડોમેઇન સર્વરનો ઉપયોગ કરીને 16 ફેક વેબસાઇટ તથા Godaddy ડોમેઇન સર્વરનો ઉપયોગ કરી 26 વેબસાઇટો બનાવેલી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેથી સાયબર ક્રાઈમ પોલીસે આરોપીની વધુ તપાસ માટે રીમાન્ડ ની માંગણી કરવા કોર્ટમાં રજૂ કરાયો હતો.


