ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધી બની રહેલો રસ્તો છેલ્લા એક વર્ષથી અધૂરો છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. રૂ. ૨૩ કરોડના ખર્ચે ૪ કિલોમીટર લાંબો આ રસ્તો બનાવવાની જવાબદારી ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ (બૌડા) ને સોંપવામાં આવી હતી, પરંતુ એક વર્ષ વીતી ગયા છતાં કામગીરી પૂર્ણ થઈ નથી.
રસ્તાને પહોળો કરવા માટે હાલ ગટર તોડીને માટી પુરાણનું કામ ચાલી રહ્યું છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા માટીને બદલે રેતીમાંથી નીકળતા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી છે.
આના કારણે રસ્તાની મજબૂતાઈ સામે ગંભીર સવાલો ઊભા થયા છે અને કામગીરી પણ અટકી પડી છે. રસ્તાનું કામ અધૂરું હોવાથી રોજના હજારો વાહનચાલકોને ધૂળ અને ખાડા-ટેકરાવાળા રસ્તા પરથી પસાર થવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોએ વહેલી તકે આ કામ પૂર્ણ કરવા અને ગુણવત્તાની તપાસ કરવા માટે સત્તાધિકારીઓને રજૂઆત કરી છે.



