યુએઈમાં 9 સપ્ટેમ્બરથી શરૂ થનારા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં સામસામે આવશે. બંને દેશો વચ્ચેની ગ્રુપ સ્ટેજ મેચ 14 સપ્ટેમ્બરે દુબઈમાં યોજાશે. પરંતુ પહેલગામ આતંકવાદી હુમલા પછી આ મુકાબલાને લઈને દેશમાં વિરોધ વધી રહ્યો છે.
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજ મેચ 14 સપ્ટેમ્બરે દુબઈમાં યોજાવાની છે. આ અંગે દેશમાં ગુસ્સો છે. પહેલગામ હુમલા છતાં લોકો પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવાનો વિરોધ કરી રહ્યા છે. દરમિયાન હરભજન સિંહે પણ BCCI પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.
ભૂતપૂર્વ ઓફ-સ્પિનર હરભજન સિંહે BCCI પ્રત્યે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, “જ્યારે આપણા સૈનિકો સરહદ પર દેશને બચાવવા લડી રહ્યા છે, ત્યારે પાકિસ્તાન સામે ક્રિકેટ રમવું અપ્રમાણિક છે. સરહદ પર શહીદ થનારા જવાનોનું બલિદાન કોઈપણ રમત કરતાં મોટું છે.”
“તેમને સમજવાની જરૂર છે કે શું મહત્વપૂર્ણ છે અને શું નથી. તે ખૂબ જ સરળ છે. મારા માટે સરહદ પર ઉભો રહેલો સૈનિક જેનો પરિવાર ઘણીવાર તેને જોવા મળતો નથી, જે શહીદી આપ્યા પછી ક્યારેય ઘરે પાછો ફરતો નથી, તેનું બલિદાન આપણા બધા માટે ખૂબ મોટું છે. આની તુલનામાં આપણે ક્રિકેટ મેચ રમવાનું બંધ કરી કરીએ તે ખૂબ જ નાની વાત છે , આ ખૂબ જ નાની વાત છે.” ભારત માટે 400થી વધુ ટેસ્ટ વિકેટ લેનાર હરભજન સિંહને ‘દેશથી મોટું’કંઈ નથી લાગતું.
આ ઉપરાંત તેમણે સ્પષ્ટ કર્યું હતું કે “આપની સરકારનું વલણ એવું છે ‘લોહી અને પાણી સાથે રહી શકતા નથી’ એવું જ છે. “સરહદ પર તણાવ હોય અને ક્રિકેટ રમીએ એ યોગ્ય નથી. દેશ સૌપ્રથમ છે. તમે ખેલાડી હોય, અભિનેતા કે બીજું કોઈ, દેશ પહેલા આવે છે દેશથી મોટું કઈ નથી આપણે દેશ પ્રત્યેની ફરજો પૂરી કરવી જોઈએ.” એમ હરભજને જણાવ્યું હતું.
વધુમાં હરભજને મીડિયાને પણ અપીલ કરી કે પાકિસ્તાની ખેલાડીઓ અને તેમની પ્રતિક્રિયાઓને પ્રસારિત ન કરે. “તેઓ તેમના દેશમાં જે કહે તે કહી શકે છે, પરંતુ આપણે તેમને પ્લેટફોર્મ ન આપવું જોઈએ,” એમ તેમણે ઉમેર્યું.
22 એપ્રિલ 2025ના પહેલગામ આતંકી હુમલામાં 25 ભારતીય પ્રવાસીઓની હત્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ અને સૈનિકી તૈનાતી વધી ગઈ હતી. આ પરિસ્થિતિ વચ્ચે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ યોજવાની જાહેરાતથી વિરોધના સ્વર વધુ ઉગ્ર બન્યા છે.


