રાજકોટ જિલ્લામાં ચાલુ ચોમાસાના આરંભે અનેક માર્ગો શંકાસ્પદ રીતે ધોવાઈ ગયા અને વાહનચાલકો તૂટેલા રોડ પર હથેળીમાં જીવ લઈને ચાલતા રહ્યા પણ નિંભર નેતાઓ અને આળસું અધિકારીઓ તો પોતાની પ્રકૃતિ મુજબ આંખ આડા કાન કરતા રહ્યા હતા. જો કે, રાજ્યભરમાં જનાક્રોશ વધી રહ્યો હતો, એવામાં જ વડોદરાની બ્રિજ દુર્ઘટના સર્જાતા સરકાર સફાળી જાગી અને રાજ્યમાં તમામ માર્ગો-પુલોની સ્થિતિનો સર્વે કરીને તાત્કાલિક મરંમત કરવા માટે આદેશ કર્યો હતો. જેના પગલે રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકનાં 33,710 કિ.મી.નાં માર્ગો સાવ બિસ્માર હોવાનું સર્વેક્ષણમાં ખુલતા થાગડ-થીગડ રીપેરીંગ ચાલુ કરાયું હતું, જેમાં ૨૫ દિવસમાં 26.270 કિ.મી.ના તૂટેલા રોડની મરામત થઈ છે, ને હજુ 7.440 કિ.મી.ના રોડ ‘જૈશે થે’ સ્થિતિમાં છે.
રાજકોટ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર સંજય પટેલે જણાવ્યું કે, રાજકોટ જિલ્લામાં માર્ગ સલામતી સમીક્ષા બેઠક ગઈકાલે કલેક્ટર ડો.ઓમ પ્રકાશનાં અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં ચોમાસા દરમિયાન તૂટેલા રસ્તા અને જર્જરીત પુલનાં રિપેરીંગની કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ભાવનગર રોડ અને મોરબી રોડ પર ગેરકાયદે રીતે ડિવાઈડર તોડીને અકસ્માત થાય એવી જોખમી રીતે રસ્તા કરી નાખવામાં આવ્યા હોવા મુદ્દે ચર્ચા કરીને જવાબદારો સામે આકરાં પગલાનો નિર્ણય લેવાયો છે. વધુમાં છેલ્લા 15 દિવસમાં બિસ્માર રોડના સમારકામની કામગીરીમાં ઝડપ લાવીને 70 ટકાથી વધુ રસ્તાને રીપેરીંગ કરી નાખવામાં આવ્યા છે, અન્યની પેચવર્ક અને પેવરપટ્ટા કરવા સાથે મરંમત ચાલુ છે. જેમાં 33.710 કિ.મી.ના રોડ હતા, હવે 7,440 કિ.મી. બાકી છે. આ બધા રોડ જૂના છે. જ્યારે ગેરન્ટી પિરીયડ બાકી હતો એવા તમામ રસ્તા કોન્ટ્રાક્ટરોએ રીપેરીંગ કરી નાખ્યા છે.
નોંધનીય છે કે, ગત 21મી જૂલાઈએ રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પૂછાયેલા પ્રશ્નનાં જવાબમાં માર્ગ-મકાન વિભાગે જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે 587 પૈકી 71 રસ્તા બિસ્માર બન્યા છે. જેમાં 19.10 કિ.મી. રોડ ખુબ ખરાબ હાલતમાં હોવાથી રીપેરીંગ કરવા પડે એવા છે, જે કામગીરી ચાલુ છે. આ ઉપરાંત રાજકોટ, જસદણ, ઉપલેટા, ધોરાજી અને જામકંડોરણા તાલુકામાં સાત પુલ પણ જોખમી જણાયા હતા, જેનું સમારકામ કરવામાં આવ્યું હતું. બીજી તરફ ગ્રામીણ લોકો આક્ષેપ કરે છે કે, સરકારી તંત્ર દ્વારા માત્ર કાગળ ઉપર રોડ-પુલના રીપેરીંગ કરવામાં આવ્યા છે. ખુબ ખરાબ રસ્તા હતા ત્યાં થીંગડા મારીને કામગીરી દેખાડી દેવાઈ છે, પણ આજે મોટાભાગના થીંગડા ઉખડી ગયા છે. આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઈએ.


