રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સૂચના અનુસાર સંસ્કૃત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તમામ પ્રકારની શાળાઓમાં અને જન સમુદાયમાં સંસ્કૃત ભાષાનું ગૌરવ સંરક્ષણ, સંવર્ધન તેમજ પ્રચાર અર્થે ૦૬ ઓગસ્ટ થી ૦૮ ઓગસ્ટ દરમિયાન ત્રિદિવસિય સંસ્કૃત સંવર્ધનના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે
જેના ભાગરૂપે મહીસાગર જિલ્લાના છોટે કાશી તરીકે પ્રસિદ્ધ લુણાવાડા નગરના લુણેશ્વર મહાદેવ મંદિર થી જિલ્લા શિક્ષણઅધિકારીશ્રી નૈલેશ મુનિયા, શ્રી જિગ્નેશભાઈ શાસ્ત્રી સહિત મહીસાગર સંસ્કૃત ભારતીના હોદ્દેદારો, અધિકારીઓ,૧૫૦થી વધુ શિક્ષકો અને વિવિધ શાળાઓના ૭૦૦થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર અને કુમકુમ તિલક સાથે સંસ્કૃત ગૌરવ યાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું.
આ વિશાળ યાત્રા માર્ગમાં વેદ, પુરાણો અને શાસ્ત્રોના ધર્મગ્રંથો, કળશ, શ્રીફળ સાથે ઋષિ મુનિઓની પારંપારિક વેશભૂષામાં દેવભાષા સંસ્કૃતના સંવર્ધન અને સંરક્ષણના સૂત્રો સાથે શ્રી પી. એન. પંડયા કોલેજ સુધી પહોંચી હતી જયાં ગુજરાતની આગવી ઓળખ સમાન ગરબા યોજાયા હતા.
આ ગૌરવ યાત્રામાં સૌએ ઉત્સાહભેર જોડાઈ સંસ્કૃત ભાષાનું ગૌરવ સંરક્ષણ, સંવર્ધનની સાથે સંસ્કૃતિ રક્ષા માટે સંકલ્પ લીધા હતા.