અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીની મોડી રાત્રે અચાનક તબિયત બગડતા તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હોસ્પિટલમાં માતાની દેખરેખ માટે આવ્યા છે. હાલમાં ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્યનું સતત ચેકઅપ કરી રહી છે. હોસ્પિટલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું નથી.

જાન્યુઆરીમાં પણ સોનિયા ગાંધીની તબિયત બગડી હતી
સોનિયા ગાંધીની તબિયત બે મહિના પહેલા જાન્યુઆરી 2026માં પણ લથડી હતી. તે સમયે તેમને છ દિવસ સુધી સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પણ તેમના નિવાસસ્થાને તેમની સારવાર સતત ચાલતી હતી. ઉલ્લેખનીય છે કે, 5 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, પ્રદૂષણ અને ઠંડા હવામાનને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતા તેમની સ્થિતિ બગડી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેમનો ‘બ્રોન્કિયલ અસ્થમા’ સામાન્ય રીતે વધી ગયો હતો.
અગાઉ પણ સારવાર માટે હોસ્પિટલ જવું પડ્યું હતું
79 વર્ષીય કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને ખાંસીની સમસ્યા ઘણા સમયથી છે, જેના કારણે તેઓ નિયમિત ચેક-અપ માટે ડોક્ટરોની મુલાકાત લેતા રહે છે. ગયા વર્ષે 7 જૂન, 2025ના રોજ હિમાચલ પ્રદેશના પ્રવાસ દરમિયાન પણ તેમની તબિયત બગડી હતી. તે સમયે તેઓ શિમલામાં પ્રિયંકા ગાંધી વાડ્રાના ઘરે રોકાયા હતા. ત્યાં તબિયત લથડતા તેમને પહેલા શિમલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ દિલ્હી પરત ફર્યા પછી ફરી સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

