અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદને કારણે વડોદરા જિલ્લો પણ બાકાત રહ્યો નથી અને ખેડૂતોને મોટું નુકસાન થયું છે.ખેડૂતોએ આ વર્ષ તેમનું સૌથી ખરાબ વર્ષ રહ્યું હોવાનું પણ કહ્યું હતું.
બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે વડોદરા જિલ્લામાં ડાંગરના લગભગ તૈયાર થવા આવેલા પાકને મોટું નુકસાન થયું છે.જ્યાં ડાંગર તૈયાર હતી ત્યાં પાણી ભરાઇ ગયા છે અને વરસાદને કારણે છોડ પણ નમી ગયા છે.જેથી પાક હાથમાં આવે તેવી શક્યતા ઓછી રહી છે.

તો બીજીતરફ કપાસ,સોયાબીન,અડદ, મગફળી જેવા પાકોની પણ આવી જ હાલત છે.હજી ત્રણ થી ચાર દિવસ વરસાદની આગાહી હોવાથી રહ્યો સહ્યો પાક પણ નાશ પામે તેવી ભીતી સેવાઇ રહી છે.
ખેડૂતોનું કહેવું છે કે,આ વર્ષ અમારું ખૂબ ખરાબ રહ્યું છે.ના કહેવાય અને ના સહેવાય તેવી સ્થિતિ છે.સરકાર સહાયની વાતો કરે છે.પરંતુ આ સહાય માત્ર દેખાડો છે.ખેડૂતોને નુકસાન થાય છે તેના પ્રમાણમાં સહાય કાંઇ જ નથી.
દિવાળીને કારણે કપાસ ઉતારવા મજૂરો ના મળ્યા,લાભપાંચમે મૂહુર્ત થયું જ નહી
વડોદરા જિલ્લામાં મોટાભાગે કપાસનો પાક તૈયાર થઇ ગયો હતો.ખેડૂતોને પાક ઉતારવો હતો.પરંતુ દિવાળી હોવાને કારણે ખેતમજૂરો મળતા નહતા.જેને કારણે અનેક ખેડૂતો લાભપાંચમે મજૂરોને બોલાવી મૂહુર્ત કરવાની તૈયારીમાં હતા.પરંતુ લાભપાંચમ પહેલાં જ વરસાદ તૂટી પડતાં ખેડૂતોને મજૂરો બોલાવવાની તક મળી જ નહિ અને તેમની આશા પર પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાઇ છે.
મજૂરીનો ખર્ચ બચાવવા ખેડૂતો બહારના ઢોરોને ખેતરોમાં લાવે છે
અનેક ખેડૂતોને મોટું નુકસાન ગયું હોવાથી મજૂરીનો ખર્ચ બચાવવા કેટલાક ખેડૂતોએ બહારથી ઢોરોને ચારવા માટે પોતાના ખેતરમાં લાવવામાં આવે છે.જેને કારણે ખેતરો સાફ થાય છે અને નિંદામણ ઓછું કરવાનું રહે છે.

