અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) પ્રજાસત્તાક દિવસ પૂર્વે કેન્દ્ર સરકારે આજે રવિવારે (25 જાન્યુઆરી) પદ્મ પુરસ્કારો 2026ની જાહેરાત કરી, જેમાં કુલ 45 લોકોને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરાશે. ત્રણ ગુજરાતી મીર હાજીભાઈ કાસમભાઈ, નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા, ધાર્મિકલાલ ચુનીનાલ પંડયાને પણ કલા અને સામાજિક ક્ષેત્રે સેવા બદલ પદ્મ શ્રી મળશે.

મીર હાજીભાઈ કાસમભાઈ: પદ્મ શ્રી
મીર હાજીભાઈ કાસમભાઈને કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાશે. તેમને લોકો ‘હાજી રમકડું’ના નામથી પણ બોલાવે છે. ભજન, સંતવાણી, ગઝલ અને કવ્વાલીમાં તેઓ પોતાની આગવી છટાથી ઢોલક વગાડવા માટે જાણીતા છે. તેમણે ગાયો માટે 3 હજારથી વધુ પ્રોગ્રામમાં ઢોલક વગાડ્યું છે. તેમણે 1 હજારથી વધુ સ્ટેજ પ્રોગ્રામ પણ કર્યા છે.
નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા, સામાજિક કાર્યકર, પદ્મ શ્રી
સુરતના નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને સામાજિક કાર્ય માટે પદ્મ શ્રી એવોર્ડનું સન્માન આપવામાં આવ્યું છે. તેઓ ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા તરીકે ઓળખાય છે અને ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક છે. નિલેશભાઈના પિતાની વર્ષ 1997માં કિડની નિષ્ફળ થતા, વર્ષ 2004થી તેઓનું નિયમિત પણે ડાયાલીસીસ કરાવવા જવું પડતું. જેમાં અનેક તકલીફોનો સામનો કર્યા બાદ નિલેશભાઈ દ્વારા વર્ષ 2006માં સુરત થી કિડની દાનથી અંગદાન સેવાનો પ્રારંભ કર્યો હતો. આ અભિયાનનો લિવર, સ્વાદુપિંડ, હૃદય, હાડકા, ફેફસાં, નાનું આતરડું, હાથ અને ગર્ભાશયના દાન સુધી વિસ્તાર થયો હતો, અત્યાર સુધીમાં ડોનેટ લાઈફ સંસ્થાના ભગીરથ કાર્ય થકી કુલ 1300થી વધારે અંગો તેમજટીસ્યુઓનું દાન કરાવવામાં આવી ચૂક્યું છે.
ધાર્મિકલાલ ચુનીનાલ પંડયા, (આખ્યાન, માણભટ્ટ): પદ્મ શ્રી
ધાર્મિકલાલ ચુનીનાલ પંડયાને પણ પદ્મ શ્રી એવોર્ડનું સન્માન મળશે. જન્મ, 11 ઑગસ્ટ 1932, વડોદરા, તેમણે ત્રણ હજારથી વધુ આખ્યાનના કાર્યક્રમો પ્રસ્તુત કર્યા છે. તેમણે દેશ અને વિદેશમાં આખ્યાન અને માણભટ્ટની કળાનો પ્રચાર અને પ્રસાર કર્યો છે. આરંભકાળે વડોદરાની પોળોમાં આખ્યાનકથાઓ કરી. વડોદરાના રેડિયોસ્ટેશન મારફતે ગુજરાતમાં પ્રસિદ્ધ થયા. તેઓ 1951-52થી આ વ્યવસાયમાં પ્રવૃત્ત છે. ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન સુધી તેઓ કાર્યક્રમો આપી ચૂક્યા છે. આકાશવાણી અને દૂરદર્શન ઉપર તેઓ નિયમિત રીતે કાર્યક્રમો આપતા હતા. પ્રેમાનંદનાં લગભગ 30થી 40 આખ્યાનો તેમને કંઠસ્થ છે. દિલ્હીની ભારતીય સંગીત નાટક અકાદમી તરફથી 1952થી આરંભાયેલી પુરસ્કારની પ્રણાલિકામાં 1987માં તેમનું સન્માન થયું. આવું માન પામનાર ગુજરાતમાં તેઓ માત્ર એક છે. પ્રેમાનંદની વિશિષ્ટ પરંપરાને જીવંત રાખવાનો તેમનો પુરુષાર્થ આજીવન રહ્યો. 1981માં શારદાપીઠના શંકરાચાર્યે ‘કીર્તનકેસરી’ અને ‘માણકલા-કૌશલ’ બિરુદોથી તેમને નવાજ્યા. માણ કલાના વિકાસ માટે તેમણે ૮ થી ૯ વર્ષનો એક અભ્યાસક્રમ તૈયાર કર્યો હતો. તેમના બંને દીકરાઓ પ્રદ્યુમન અને મયંક પણ માણભટ્ટ કલાકારો છે.
ધાર્મિકલાલ ચુનીનાલ પંડયા અનેક એવોર્ડથી સન્માનિત
1980માં ગુજરાત રાજ્ય સંગીતનૃત્ય અકાદમી દ્વારા પ્રશસ્તિપત્ર અર્પણ
1983માં ગુજરાત રાજ્ય સંગીતનૃત્ય અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર
1984માં વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ઍવૉર્ડ,
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા તરફથી ઍવૉર્ડ
1986માં સ્વામિનારાયણ સંપ્રદાયના તત્કાલીન આચાર્ય તેજેન્દ્રપ્રસાદ દ્વારા સન્માન
1987માં ગુજરાત લોકકલા કેન્દ્ર દ્વારા ઍવૉર્ડ
1987માં અમૃતા સંસ્થા, ચુંવાળ દ્વારા ઍવૉર્ડ
1991માં પ્રેમાનંદ સુવર્ણચંદ્રક

