TOP NEWS : ભારતીય સેનાને મળશે ‘હેમર’ મિસાઇલો: આજે સંરક્ષણ મંત્રાલયની મહત્વપૂર્ણ બેઠક; આધુનિક સૈન્ય શસ્ત્રોની ખરીદીને લીલી ઝંડી

0
50
meetarticle

સંરક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં આજે શુક્રવારે યોજાનારી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) બેઠકમાં મહત્વપૂર્ણ સંરક્ષણ ખરીદી પ્રસ્તાવોને મંજૂરી મળી શકે છે, જેનાથી ત્રણેય સેનાઓની મારક ક્ષમતા અને દેખરેખ વ્યવસ્થા વધુ મજબૂત થશે. આ આધુનિક સૈન્ય હથિયારોમાં હેમર પ્રિસિઝન ગાઈડેડ મિસાઇલ, વર્બા એર ડિફેન્સ સિસ્ટમ, સ્યુડો સેટેલાઇટ અને ડ્રોન રોધી પ્રણાલીઓ મુખ્ય છે.

નવા સૈન્ય પ્રમુખોની પ્રથમ DAC બેઠક મળશે
ઘણા મહિનાઓ પછી યોજાઈ રહેલી DAC બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ રાજા સુબ્રમણિ, આર્મીના પ્રમુખ જનરલ ધીરજ સેઠ અને નૌકાદળના પ્રમુખ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન તેમના નવા પદ પર પ્રથમ વખત સામેલ થશે.

સ્વદેશી એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ પ્રોજેક્ટ
આ બેઠકમાં DRDO દ્વારા વિકસીત મેન-પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઈલ (MP-ATGM) પ્રોજેક્ટને મંજૂરી મળવાની સંભાવના છે. આશરે 2,600 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ હેઠળ સેનાને 100 લોન્ચર, 2300 મિસાઇલો અને 5 સિમ્યુલેટર મળશે. જેનું ઉત્પાદન ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) અને ખાનગી કંપનીઓ દ્વારા કરવામાં આવશે.

રાફેલ-તેજસની તાકાત વધારશે ‘હેમર મિસાઈલ’
DAC સમક્ષ આશરે 2400 કરોડ રૂપિયાના ખર્ચે 600 હેમર પ્રિસિઝન-ગાઈડેડ મિસાઇલ ખરીદવાનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, ગલવાન સંઘર્ષ પછી આ મિસાઈલોને ઇમરજન્સી ખરીદી હેઠળ પણ સામેલ કરવામાં આવી હતી.

આ મિસાઈલોનું નિર્માણ ફ્રાન્સની સફરાન કંપની અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના (BEL) સહયોગથી ભારતમાં જ કરવામાં આવશે. આ મિસાઈલ ભારતીય વાયુસેનાના રાફેલ અને LCA તેજસ ફાઈટર વિમાનને સજ્જ કરશે. જ્યારે નૌકાદળ તેનો ઉપયોગ રાફેલ-એમ (Rafale-M) વિમાનો માટે કરશે.

વર્બા સિસ્ટમ-ડ્રોન ટેક્નોલોજીથી સઘન સુરક્ષા
ભારતીય આર્મી માટે રશિયન મૂળની ‘વર્બા વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ’ (V-SHORADS) ની ખરીદી પર પણ મહોર વાગી શકે છે. આ સિસ્ટમ હાલની ઇગલા મિસાઇલનું ઉન્નત સંસ્કરણ છે અને તે ઓછી ઉંચાઈએ ઉડતા વિમાન, હેલિકોપ્ટર અને ડ્રોનને તોડી પાડવામાં સક્ષમ છે. ભારતમાં તેનું ઉત્પાદન અદાણી ડિફેન્સ કરશે.આ ઉપરાંત કામિકાઝી ડ્રોન, ડ્રોન ડિટેક્શન સિસ્ટમ, સ્કોર્પિન શ્રેણીની સબમરીનના ઉપકરણો અને નેવલ શિપબોર્ન એરિયલ સિસ્ટમ જેવા પ્રસ્તાવ પર પણ વિચાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટને મંજૂરી મળતા ભારતીય સશસ્ત્ર દળોની વાયુ સંરક્ષણ અને સચોટ હુમલાની ક્ષમતામાં મોટો વધારો થવાની અપેક્ષા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here