અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) રાજ્યમાં સતત નશાનો વેપલો વધી રહ્યો છે ત્યારે અમદાવાદ જાણે નશાનું હબ બની ગયું એમ અવાર-નવાર લાખોની કિંમતનો નશાકારક સામાન પકડાઇ છે. ત્યારે સોમવારે સાંજે અમદાવાદ શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) એ નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે SOG એ મહાકાળી ઇન્ડસ્ટ્રીઝ પાસેથી એક ઓટોરિક્ષાને અટકાવીને તેમાંથી રૂ.9.15 લાખની કિંમતનો 18.3 કિલોગ્રામ ગાંજો (મારિજુઆના) જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે રાજેશ્વરીબેન ઉર્ફે ચાચલી રાઠોડ, ભાવેશભાઈ પરમાર અને સાહિલ ગારંગે નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

SOG ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપીઓ કાલુપુરથી નરોડા પાટિયા તરફ ઓટોરિક્ષામાં ગાંજાનો મોટો જથ્થો લઈ જઈ રહ્યા છે. આ માહિતીના આધારે SOG ની ટીમે બે સરકારી પંચ સાક્ષીઓને સાથે રાખી મહાકાળી ઇન્ડસ્ટ્રીઝ પાસે વોચ ગોઠવી હતી. સાંજે 6.30 વાગ્યે શંકાસ્પદ ઓટોરિક્ષાને અટકાવી તલાશી લેતા મુસાફરો પાસેની ત્રણ કાપડની બેગમાંથી BOPP ટેપથી વીંટાળેલા નવ પાર્સલ મળી આવ્યા હતા. FSL અધિકારી દ્વારા કરાયેલા પ્રાથમિક પરીક્ષણમાં આ પદાર્થ ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી. જપ્ત કરાયેલા ગાંજાનું વજન 18 કિલો 300 ગ્રામ થયું હતું, જેની કિંમત રૂ.9.15 લાખ આંકવામાં આવી છે.પોલીસે ગાંજા ઉપરાંત ત્રણ મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂ.9.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓએ કબૂલ્યું કે તેઓએ આ જથ્થો મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના તારદાણા ગામની રહેવાસી જ્યોતિ તામચે પાસેથી કુબેરનગર વિસ્તારમાં ફરીથી વેચાણ કરવા માટે મેળવ્યો હતો.
રિક્ષાચાલકની સંડોવણી ન જણાતા તેને છોડી મુકવામાં આવ્યો હતો. ત્રણેય મુખ્ય આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી સપ્લાય ચેઇનની વધુ કડીઓ શોધવા તપાસ હાથ ધરવામાં આવી છે.

