અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) આજે ૨૨ જાન્યુઆરી ૨૦૨૬નો દિવસ સુરતવાસીઓ માટે ખાસ કરીને અમરોલી અને કતારગામના રહીશો માટે ઐતિહાસિક સાબિત થયો છે. જે બ્રિજની રાહ લાખો લોકો મહિનાઓથી જોઈ રહ્યા હતા, તે ‘રત્નમાલા ફ્લાય ઓવરબ્રિજ’નું આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ શરૂ થતા જ સુરતના ટ્રાફિકના સમીકરણો બદલાઈ જશે. ચાલો જાણીએ આ બ્રિજની ખાસિયતો અને તેનાથી થનારા ફાયદાઓ વિશે આ ખાસ અહેવાલમાં.

સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ
આજે સવારે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા રત્નમાલા બ્રિજનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સુરત હવે માત્ર ડાયમંડ સિટી કે ટેક્સટાઇલ સિટી નથી, પણ ‘બ્રિજ સિટી’ તરીકે આખા દેશમાં પ્રખ્યાત થયું છે. તેમણે સુરત મહાનગરપાલિકાની કામગીરીને બિરદાવતા કહ્યું કે, આજના જ દિવસે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને આ શુભ દિવસે સુરતને આ ભેટ મળી છે તે આનંદની વાત છે.
ખર્ચ: આ બ્રિજ અંદાજે ₹૬૨.૮૪ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.
લંબાઈ: બ્રિજની કુલ લંબાઈ ૧૦૩૦ રનિંગ મીટર છે.
ડિઝાઇન: BRTS લેનની બંને બાજુએ ૪-લેન (EPC ધોરણે) બનાવવામાં આવ્યા છે.
પહોળાઈ: બ્રિજની બંને બાજુ ૭.૫ મીટર પહોળી લેન રાખવામાં આવી છે, જેથી મોટા વાહનો પણ સરળતાથી પસાર થઈ શકે.
૧૨ લાખ લોકોને થશે સીધો ફાયદો
સુરતના ઉત્તર અને પૂર્વ ઝોનને જોડતો આ બ્રિજ ટ્રાફિક ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
- વિસ્તારો: કોસાડ, છાપરાભાઠા, અમરોલી, સાયણ અને ગોથાણ તરફ જતા લોકોને હવે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવું નહીં પડે.
- કનેક્ટિવિટી: આ બ્રિજ અમરોલી, કતારગામ અને વેડ રોડને સીધી કનેક્ટિવિટી પૂરી પાડે છે.
- ઇંધણ અને સમયની બચત: ન્યૂ રિંગરોડ અને મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર જનારા વાહનચાલકોના સમય અને ઇંધણમાં મોટો ઘટાડો થશે.
વિલંબનો અંત અને જનતાની રાહત
ઉલ્લેખનીય છે કે, આ બ્રિજ ઘણો સમય પહેલા બનીને તૈયાર હતો, પરંતુ લોકાર્પણ માટે નેતાઓના સમયની રાહ જોવાઈ રહી હતી. આ વિલંબને કારણે વાહનચાલકો ભારે ટ્રાફિક જામનો સામનો કરી રહ્યા હતા. આજે કાસાનગરથી અમરોલી તરફના એક છેડાનું લોકાર્પણ કરી દેવાયું છે, જ્યારે બીજા છેડાનું કામ આગામી બે મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે.
સી.આર. પાટીલનું નિવેદન
પોતાના સંબોધનમાં સી.આર. પાટીલે ઉમેર્યું કે, “સુરતવાસીઓનો સ્વભાવ જ એકબીજાને જોડવાનો છે, અને બ્રિજ પણ એ જ કામ કરે છે. હિન્દુ મિલન મંદિરથી અમરોલી સુધી જે ટ્રાફિકની સમસ્યા હતી, તે હવે ભૂતકાળ બની જશે. આશરે ૧૦ લાખથી વધુ લોકોને ટ્રાફિકની મુક્તિ અપાવવા માટે પાલિકાની ટીમે જે યોગદાન આપ્યું છે તે પ્રસંશનીય છે.”

