અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭૫ વર્ષના થયા હતા, ૧૭મીએ બુધવારે તેમના જન્મ દિવસે વિશ્વભરના દેશોના વડાઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જ્યારે નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ધારમાં રેલીને સંબોધી હતી, જેમાં તેમણે પાકિસ્તાન પર પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે આ નવુ ભારત છે જે પરમાણુની ધમકીથી ડરતું નથી અને દુશ્મનના ઘરમાં ઘુસીને હુમલો કરે છે.

મોદીએ પોતાના જન્મ દિવસે દેશવાસીઓને સ્વદેશી વસ્તુઓ ખરીદવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે જે પણ દુકાનોમાં ભારતમાં બનેલી વસ્તુઓ એટલે કે સ્વદેશી વસ્તુઓનું વેચાણ થતું હોય ત્યાં ગર્વ સે કહો યહ સ્વદેશી હૈના બોર્ડ લગાવવા જોઇએ. દરમિયાન ભાજપ શાસિત રાજ્યોમાં નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી માટે સરકારો દ્વારા જાહેર કાર્યક્રમો શરૂ કરાયા હતા જેમાં સફાઇ અભિયાન, બ્લડ ડોનેશન, મેડિકલ કેમ્પ વગેરેનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમો મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ એટલે કે બીજી ઓક્ટોબર સુધી ચલાવવામાં આવશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણને મોદીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. વિપક્ષ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધીએ પણ શુભેચ્છા પાઠવી હતી. વૈશ્વિક નેતાઓએ પણ મોદીના વખાણ કર્યા હતા અને શુભકામના પાઠવી હતી. જ્યારે વડાપ્રધાન મોદીએ વિશ્વભરમાંથી મળેલી જન્મ દિનની શુભેચ્છાઓ બદલ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. અને કહ્યું હતું કે મને મળનારી શુભેચ્છાઓ ખરેખર મને નહીં પણ એક સારા ભારતના નિર્માણ માટે આપણે જે કામ કરી રહ્યા છીએ તેને આ શુભેચ્છા મળી રહી છે. વિકસિત ભારત માટે હજુ વધુ જુસ્સા સાથે કામ કરતો રહીશ.

મોદીએ મધ્ય પ્રદેશના ધારમાં મહિલાઓ અને બાળકો માટેના વિવિધ પ્રોજેક્ટ અને યોજનાઓ ખુલ્લી મુકી હતી, સાથે જ પીએમ મિત્ર પાર્કનું પણ ઉદ્ધાટન કર્યું હતું. આ દરમિયાન મોદીએ ઓપરેશન સિંદૂરના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે આપણા દેશના જવાઓએ પાકિસ્તાનને ઘૂંટણીએ લાવી દીધુ. કાલે જ પાકિસ્તાની આતંકીએ આંખોમાં આંસુ સાથે પોતાની હાલત વર્ણવી, આ નવું ભારત છે, જે કોઇ પરમાણુ ધમકીઓથી ડરતું નથી, ઘરમાં ઘુસીને મારે છે. પાકિસ્તાની આતંકીઓએ આપણી માતાઓ અને બહેનોનું સિંદૂર મિટાવ્યું હતું, આપણે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકીઓના કેમ્પોનો નાશ કર્યો. આપણા બહાદુર જવાનોએ પાકિસ્તાનને ઘૂંટણીએ લાવી દીધુ.

