અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે પહોંચેલા એક પરિવારે મૃતદેહને અગ્નિદાહ આપવા માટે લાકડાંના અભાવ અને ભીના લાકડાંને કારણે ટાયર અને ગોદડાનો સહારો લેવાની શરમજનક ઘટના સામે આવી છે. આ ગંભીર બેદરકારીને કારણે લોકોમાં ઓઢવ સ્મશાનના કોન્ટ્રાક્ટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સામે ભારે રોષ ફેલાયો છે.

જાણો શું છે મામલો
મૃતક પરિવારજનોનો આક્ષેપ છે કે, જ્યારે તેઓ અંતિમ સંસ્કાર માટે સ્મશાનગૃહ પહોંચ્યા, ત્યારે ત્યાં લાકડાંનો મોટો અભાવ હતો અને જે લાકડાં ઉપલબ્ધ હતાં તે પણ વરસાદી માહોલને કારણે ભીનાં હોવાથી સળગ્યાં નહોતાં. પરિસ્થિતિ એવી બની કે, સ્વજનોએ પોતાના પરિવારના મૃતકને અગ્નિદાહ આપવા માટે ટાયર અને ગોદડાનો સહારો લેવો પડ્યો હતો. આ ઉપરાંત અંતિમ સંસ્કાર માટે પોતાના ખર્ચ કરીને ઘી અને તલ ખુદના ખર્ચે લાવવા પડ્યા હતા.
સ્માર્ટ સિટીમાં સુવિધાનો અભાવ
શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે સ્માર્ટ સિટીની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, ત્યારે જીવનના અંતિમ પડાવ પર પણ નાગરિકોને યોગ્ય સુવિધાઓ ન મળવી એ અત્યંત શરમજનક બાબત છે. આ ઘટનાને લઈને નાગરિકોમાં AMCના વહીવટ સામે ભારે ગુસ્સો ફેલાયો છે. લોકોની માંગ છે કે, તાત્કાલિક આ મામલાની તપાસ કરીને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
AMCએ તપાસના આદેશ આપ્યા
ઓઢવ સ્મશાનગૃહમાં બનેલી આ ગંભીર ઘટનાની નોંધ લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે. AMCએ તાત્કાલિક અસરથી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાના આદેશો આપ્યા હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલે AMC દ્વારા તપાસ બાદ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે વધુ કડક પગલાં લેવામાં આવી શકે છે.

