અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) બંગાળની ખાડીમાં સર્જાયેલું વિનાશક વાવાઝોડું મોન્થા મંગળવારે રાતે આંધ્ર પ્રદેશના કાકિનાડા અને મછલીપટ્ટનમના દરિયા કિનારા વચ્ચે પ્રતિ કલાક ૧૦૦થી ૧૧૦ કિ.મીની ઝડપે ત્રાટક્યું હતું. આ સાથે વાવાઝોડાએ આંધ્ર પ્રદેશમાં ભારે તારાજી સર્જી હતી. મોન્થા વાવાઝોડાના કારણે ૭૬,૦૦૦થી વધુ લોકોને રાહત છાવણીમાં ખસેડાયા હતા. વિવિધ સ્થળો પર ૨૧૯ મેડિકલ કેમ્પ શરૂ કરાયા હતા. ૧૫૦થી વધુ ટ્રેનો અને બાવનથી વધુ ફ્લાઈટ્સ રદ કરાઈ હતી. આંધ્ર પ્રદેશમાં ૧.૩૮ લાખ હેક્ટરમાં ઊભા પાકને ભારે નુકસાન થયું હતું. મોન્થાના કારણે પશ્ચિમ બંગાળથી લઈને તમિલનાડુ સુધીના રાજ્યોમાં ભારે વરસાદ ખાબક્યો હતો.

પશ્ચિમ બંગાળની ખાડીમાં સોમવારે સર્જાયેલું મોન્થા વાવાઝોડું પ્રતિ કલાક ૧૦૦થી ૧૧૦ કિ.મી.ની તિવ્ર ગતિએ મંગળવારે રાતે આંધ્ર પ્રદેશના કાકિનાડામાં મછલીપટ્ટનમ અને કાલિંગપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ થયું હતું. લેન્ડફોલ પછી વાવાઝોડું ઉત્તર-ઉત્તરપશ્ચિમની દિશામાં આગળ વધ્યું હતું. લેન્ડફોલની પ્રક્રિયા ત્રણથી ચાર કલાક ચાલી હતી. આ સમયે આંધ્રમાં અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઈ ગઈ હતી. ૧૦થી વધુ જિલ્લામાં લોકોને ઘરની બહાર નહીં નીકળવા ચેતવણી અપાઈ હતી.
આંધ્રમાં વાવાઝોડાના કારણે બાવન ફ્લાઈટ રદ કરાઈ હતી. વિશાખાપટ્ટનમમાં આખો દિવસ ઉડ્ડયનનું સંચાલન બંધ રખાયું હતું અને બધી જ ૩૨ ફ્લાઈટ રદ કરાઈ હતી. વિજયવાડા એરપોર્ટ પર પણ ૧૬ ફ્લાઈટ રદ કરાઈ હતી, પરંતુ પાંચ ફ્લાઈટ ઓપરેટ કરાઈ હતી. બીજીબાજુ દક્ષિણ-મધ્ય રેલવેએ ૯૭ ટ્રેન રદ કરી હતી, પાંચ ડાયવર્ટ કરી હતી અને ૧૭ ટ્રેન રીશેડયુલ કરી હતી જ્યારે પૂર્વીય રેલવેએ પણ ૩૨ ટ્રેનો રદ કરી હતી. મોન્થા વાવાઝોડાના કારણે ૨૨ જિલ્લામાં ભારે અસર થઈ હતી અને સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. વાવાઝોડાની વિનાશક અસરોને ધ્યાનમાં રાખતા આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ સરકારે ૭૬,૦૦૦ લોકોને રાહત છાવણીમાં ખસેડયા હતા જ્યારે વિવિધ જગ્યાએ ૨૧૯ મેડિકલ કેમ્પ શરૂ કર્યા હતા. સરકારે પ્રાણીઓ માટે ૮૬૫ ટન ચારો પણ અનામત રાખ્યો હતો. રાજ્ય સરકારે ૧૦થી વધુ જિલ્લામાં લોકોને ઘરોમાંથી બહાર નહીં નીકળવા ચેતવણી આપી હતી અને મંગળવારે રાતે ૮.૩૦થી બુધવારે સવારે ૬.૦૦ કલાક સુધી રાત્રી કરફ્યૂ લાદી દીધો હતો.
મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું કે, કોઈપણ વિપરિત સંજોગોનો સામનો કરવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરાઈ હતી. રાજ્યના ૩,૭૭૮ ગામોમાં ભારે વરસાદ પડયો હતો. અનેક જગ્યાએ વૃક્ષો ઉખડી ગયા હતા, વીજળી ગુલ થઈ ગઈ હતી. અસરગ્રસ્ત લોકોને સમાવવા માટે ૨,૦૦૦થી વધુ સાયક્લોન શેલ્ટર્સ બનાવાયા હતા.
મોન્થા વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળથી લઈને તમિલનાડુ સુધી ભારે વરસાદ ખાબક્યો હતો, જેને પગલે આ રાજ્યોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. ઓડિશામાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું હતું અને અનેક સ્થળો પર વૃક્ષો ઊખડી જતા મકાનોને નુકસાન થયું હતું. ઓડિશામાં ૧૫થી વધુ જિલ્લામાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું.
મોન્થાનો સામનો કરવા સરકારની તૈયારી
3.6 કરોડ એલર્ટ મોકલાઈ, 321 ડ્રોન, 1447 અર્થમૂવર તૈનાત
અમરાવતી : આંધ્ર પ્રદેશમાં મંગળવારે રાતે મોન્થા વાવાઝોડું ત્રાટક્યું હતું. જોકે, વાવાઝોડાનો સામનો કરવા માટે ચંદ્રાબાબુ સરકારે વ્યાપક તૈયારી કરી હતી, જેના પગલે મોટી જાનહાની ટાળી શકાઈ હતી. રાજ્ય સરકારે સ્થાનિક લોકોને ૩.૬ કરોડ એલર્ટના સંદેશા મોકલીને ઘરોની અંદર રહેવા ચેતવણી આપી હતી. સાથે જ વાવાઝોડા સમયે સંચાલ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ૮૧ વાયરલેસ ટાવર અને ૨૧ મોટા લેમ્પ સ્થાપિત કરાયા હતા. આ સિવાય બચાવ સહિતના અભિયાનો માટે ૧૪૪૭ અર્થમૂવર, ૩૨૧ ડ્રોન અને તૂટી પડેલા વૃક્ષોને વહેલી તકે હટાવવા અને કનેક્ટિવિટી ફરીથી શરૂ કરવા માટે ૧,૦૪૦ ચેનસૌ તૈનાત કર્યા હતા.

