અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ગાંધીનગરમાં મોડી રાતે બહિયલ ગામમાં હિંસા ફાટી નીકળી હોવાના અહેવાલ સામે આવ્યા છે. અહીં ગરબા આયોજન પર પથ્થરમારો, દુકાનોમાં તોડફોડ અને આગચંપી જેવી ઘટનાને અંજામ અપાયાની માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં પ્રાથમિક માહિતી અનુસાર એવું જાણવા મળ્યું છે કે કોઈ સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મૂકવાથી મામલો બીચક્યો હતો. મોડી રાતે સ્થિતિ બેકાબૂ થતાં 15 જેટલા પોલીસ વાહનોમાં તોડફોડ મચાવાઈ હતી.

આ દરમિયાન ટોળાને કાબૂમાં લેવા ટિયર ગેસનો મારો ચલાવાયો હતો. પથ્થરમારાની ઘટનામાં પાંચ સ્થાનિકો ઈજાગ્રસ્ત થયાની માહિતી પણ સામે આવી છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરતાં લગભગ 60 લોકોને રાઉન્ડઅપ કર્યા છે. આ સાથે ગામમાં એસઆરપીની કંપનીને પણ તહેનાત કરી દેવામાં આવી છે અને વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે.
પોલીસ કાફલા પર જ હુમલો કરાયો… જોકે સ્થિતિ વધારે ન બગડે તે માટે પોલીસનો કાફલો ગામમાં ખડકી દેવામાં આવ્યો હતો અને હિંસામાં સામેલ તત્વોને શોધી કાઢવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. માહિતી અનુસાર સૂત્રો જણાવે છે કે પોલીસ જ્યારે સ્થિતિને કાબૂમાં લેવા ગઈ ત્યારે પોલીસ પર જ પથ્થરમારો કરી દેવામાં આવ્યો હતો અને તેમના વાહનોને નુકસાન પહોંચાડાયું હતું.

સામાન્ય બાબતે મામલો બિચક્યો?
માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા બહિયલ ગામમાં ગરબાનું આયોજન કરાયું હતું. આ દરમિયાન સામાન્ય બાબતે બે જૂથ વચ્ચેની માથાકૂટ હિંસામાં પરિણામી હતી. જેના બાદ આગચંપી, તોડફોડ, પથ્થરમારા જેવી ઘટનાઓને અંજામ અપાયો હતો. હાલમાં ઘટનાસ્થળે પોલીસ કાફલો હોવાથી સ્થિતિ કાબુમાં લેવાયાની માહિતી છે.

ત્રીજા નોરતાએ જ બની ઘટના…
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામે બુધવારે ત્રીજા નોરતાએ 2 સમુદાયના લોકો સામ-સામે આવી જતાં ઘર્ષણ થયું હતું. દહેગામના બહિયલ ગામે બનેલી આ ઘટનામાં સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જ્યારે ગામમાં ગરબા ચાલતા હતા ત્યારે ગરબાની બાજુના એક વિસ્તારમાંથી ચાલુ ગરબાએ પથ્થરમારો થયો હતો અને એક ટોળું આવ્યું હતું જેણે પથ્થરમારો કર્યો હતો.તેમના જણાવ્યા અનુસાર ગરબા સ્થળે 3 બાજુએથી પથ્થરમારો થયો હતો અને 25 જેટલી ગાડીઓના કાચ તૂટ્યા હતા. આ પથ્થરમારામાં મહિલાઓને ઇજા પહોંચી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર 5 ટિયર ગેસ છોડવામાં આવ્યા છે અને 15 જેટલા પોલીસ વાહનોના કાચ પણ તૂટ્યા હતા.

