અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ગુજરાતમાં લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે બુધવારે(1 એપ્રિલ, 2026) સાંજે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યની 15 મહા નગરપાલિકા (જૂનાગઢ અને ગાંધીનગર સિવાય તમામ), 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીક્રિષ્નાએ જણાવ્યું કે, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલ 2026ના રોજ યોજાશે. જ્યારે મત ગણતરી 28 એપ્રિલ 2026ના રોજ હાથ ધરાશે. આ વખતની ચૂંટણીમાં ઓબીસી (OBC) અનામત બેઠકોના નવા રોટેશનનો અમલ કરાશે.

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીની જાહેરાત
મનપા: 15 (જૂનાગઢ અને ગાંધીનગર સિવાય તમામ)
જિલ્લા પંચાયત: 34
તાલુકા પંચાયત: 260 (17 નવી તાલુકા પંચાયત સહિત)
નગર પાલિકા: 84
મતદારો: 4 કરોડ 18 લાખ 91 હજાર 700
આચાર સંહિતા: આજથી અમલી

ચૂંટણી કાર્યક્રમ પર એક નજર
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ચૂંટણીનું શિડ્યુલ
ચૂંટણીનું જાહેરનામું: 6 એપ્રિલ, 2026
ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ, 2026
ફોર્મની ચકાસણી: 13 એપ્રિલ, 2026
ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ: 15 એપ્રિલ
મતદાનની તારીખ: 26 એપ્રિલ, 2026
મતગણતરી અને પરિણામ: 28 એપ્રિલ, 2026
કેટલી બેઠકો પર ચૂંટણી?
15 મહાનગરપાલિકા: 1044 બેઠકો
84 નગરપાલિકા: 2632 બેઠકો260 તાલુકા પંચાયત: 5271 બેઠકો
34 જિલ્લા પંચાયત: 1092 બેઠકો
કુલ બેઠકો: 10,039 બેઠકો
નવી મહાનગરપાલિકાઓમાં પ્રથમ વખત યોજાશે ચૂંટણી
ગુજરાત સરકારે હાલમાં જે 8 નવી નગરપાલિકાને ‘મહાનગરપાલિકા’નો દરજ્જો આપ્યો છે, ત્યાં પ્રથમ વખત કોર્પોરેશન સ્તરે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં આણંદ-કરમસદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, અને વાપી શહેરનો સમાવેશ થાય છે. આ નવા રચાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી માળખું બદલાયા બાદ આ પ્રથમ મોટી રાજકીય કસોટી છે, જેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.
OBC અનામતનું નવું સમીકરણ
આ વખતની ચૂંટણીની સૌથી મોટી વિશેષતા ઓબીસી (OBC) અનામત બેઠકોનું નવું રોટેશન છે. ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ અમલી બનેલી નવી જોગવાઈઓ મુજબ, આ વખતે જિલ્લા પંચાયત પ્રમુખની 7 બેઠકો OBC માટે અનામત રાખવામાં આવી છે. આ નવા જ્ઞાતિ સમીકરણો રાજકીય પક્ષો માટે નવી રણનીતિ ઘડવા મજબૂર કરશે.
વહીવટદારોના શાસનનો આવશે અંત
ઉલ્લેખનીય છે કે, રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં સીમાંકન અને અનામતના પ્રશ્નોને કારણે ચૂંટણીમાં વિલંબ થયો હતો. હાલમાં આ સંસ્થાઓમાં વહીવટદારો કાર્યરત છે. હવે ચૂંટણીની જાહેરાત થતાં જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને લોકશાહી ઢબે નવા જનપ્રતિનિધિઓની પસંદગીનો માર્ગ મોકળો થશે.

