અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. તમામ મંત્રીઓએ રાજીનામા ધરી દીધા બાદ આજે સવારે 11:30 કલાકે મહાત્મા મંદિર ખાતે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે.
26 ખુરશીઓ: વિશાળ મંત્રીમંડળની શક્યતા
શપથવિધિની તડામાર તૈયારીઓ વચ્ચે, મંચ પર 26 ખુરશીઓ ગોઠવવામાં આવી છે. આ પરથી સ્પષ્ટ સંકેત મળે છે કે ગુજરાત સરકારનું નવું મંત્રીમંડળ મોટું બન્યું છે. ગુજરાત વિધાનસભાના 182 સભ્યોમાં બંધારણીય નિયમ મુજબ મહત્તમ 27 મંત્રીઓ હોઈ શકે છે. અગાઉ મુખ્યમંત્રી સહિત 17 મંત્રીઓ હતા. હવે, મુખ્યમંત્રી સહિત કુલ 26 મંત્રીઓનું નવું મંત્રીમંડળ હોવાની શક્યતાઓ છે.

રાજ્યપાલ શપથ લેવડાવશે, હાઇકમાન્ડ હાજર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવનિયુક્ત મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. આ શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત ભાજપના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
નવા-જૂનાનો સમન્વય: ડેપ્યુટી CMની પણ ચર્ચા
સંભવિત મંત્રીમંડળમાં અનેક જૂના મંત્રીઓને ફરી તક મળવાની સંભાવના છે, જેમને નવા ચહેરાઓ સાથે સમાવી લેવાશે, જેનાથી મંત્રીમંડળનું કદ વધશે. લગભગ 10 જેટલા નવા મંત્રીઓને સ્થાન મળી શકે છે, જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક ધારાસભ્યોનો પણ સમાવેશ થઈ શકે છે. નાયબ મુખ્યમંત્રી બનાવવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે, જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી. મંત્રીમંડળમાં સામેલ થનાર ધારાસભ્યોને ફોનના માધ્યમથી જાણકારી આપી દેવાઈ હોવાની પણ ચર્ચા છે.
ચૂંટણી પહેલાં સંગઠનમાં નવી ઊર્જા લાવવાનો પ્રયાસ
સરકારના આ મોટા ફેરફારને આગામી મહત્ત્વપૂર્ણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને 2027ની વિધાનસભા ચૂંટણીઓ પહેલાં પક્ષના સંગઠન અને શાસનમાં નવી ઊર્જા અને નવા ચહેરાઓને તક આપવાની વ્યૂહરચનાના ભાગ રૂપે જોવામાં આવે છે. આ પગલું સત્તાવિરોધી લહેરને ઘટાડવા અને જ્ઞાતિ તથા પ્રાદેશિક સંતુલનને જાળવવા માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

