અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) જમ્મુ-કાશ્મીરના ડોડા અને કિશ્તવાડ વિસ્તારોમાં 30-35 પાકિસ્તાની આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળતાં ભારતીય સેના એલર્ટ થઈ ગઈ છે. ભારતીય સેનાએ બરફીલા વિસ્તારોમાં આતંકવાદીઓ સામે મોટાપાયે ઓપરેશન શરૂ કર્યું છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓએ આ વિસ્તારોમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની જાણકારી સેના સાથે શેર કરી છે.

મળતી માહિતી મુજબ, શિયાળાની ઋતુમાં આતંકી ઘટનાઓ ઓછી જોવા મળે છે. પરંતુ આ વખતે સેના પોતાની રણનીતિમાં ફેરફાર કરીને શિયાળાની સિઝનમાં પણ ઓપરેશન હાથ ધર્યું છે. આ માટે સેનાની સાથે-સાથે જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFની પણ મદદ લેવામાં આવી છે.
RR યુનિટને તૈનાત કરી
ચિલાઈ કલાનની શિયાળાની કાતિલ ઠંડીની વચ્ચે આતંકવાદીઓ ડોડા અને કિશ્તવાડના ઊંચાઈ વાળા વિસ્તારોમાં છુપાવવા પહોંચી ગયા છે. તેવામાં કાઉન્ટર-ટેરિરિઝમ ઓપરેશન માટે ભારતીય સેનાના રાષ્ટ્રીય રાઇફલ્સ (RR)ની યુનિટને આ ઊંચાઈ અને ખતરનાક વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે. આ યુનિટને ડ્રોન અને થર્મલ ઇમેજિંગ સાધનોથી સજ્જ છે.જમ્મુ-કાશ્મીરની ચિલાઈ કલાન ઋતુમાં હાડ ધ્રુજાવતી ઠંડી પડે છે. આ સમયગાળો સામાન્ય રીતે 21 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી રહે છે. આ દરમિયાન ડોડા-કિશ્તવાડના ઊંચા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થાય છે, પરંતુ ભારતીય સેના વિન્ટર ઓપરેશન માટે સંપૂર્ણરીતે તૈયાર હોય છે.
આતંકવાદીઓ પર નજર રાખવા માટે સેનાએ બનાવી સર્વેલન્સ પોસ્ટ્સ
ઉલ્લેખનીય છે કે, પહલગામ હત્યાકાંડને અંજામ આપનારા પાકિસ્તાની આતંકવાદીઓ પણ ડોડા અને કિશ્તવાડ થઈને દક્ષિણ કાશ્મીરના અનંતનાગ પહોંચ્યા હતા. આ જ કારણ છે કે આ વખતે સેના કોઈ કસર છોડવા તૈયાર નથી.
અહેવાલો અનુસાર, આતંકવાદીઓની ગતિવિધિઓ પર નજીકથી નજર રાખવા માટે સેનાએ ડોડા અને કિશ્તવાડના બરફથી ઢંકાયેલા વિસ્તારોમાં કામચલાઉ બેઝ અને સર્વિલન્સ પોસ્ટ તૈયાર કરી છે. ભારતીય સેનાએ આતંકવાદી હિલચાલ અને છુપાયેલા સ્થળોને ઓળખવા માટે બહુવિધ એજન્સીઓ પાસેથી એકત્રિત કરવામાં આવેલી ગુપ્ત માહિતીનું કાળજીપૂર્વક વિશ્લેષણ કર્યું છે.ભારતીય સેના પોલીસ અને CRPF સાથે મળીને આતંકવાદીઓને ખતમ કરવા માટે સચોટ માહિતીની રાહ જોઈ રહી છે. ભારતીય સેના ઓવરલેપ ટાળવા અને આતંકવાદીઓ સામે વ્યાપક હુમલો કરવા માટે સંયુક્ત ઓપરેશન હાથ ધરવાનો પ્રયાસ કરી રહી છે.

