અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ડાકોર મંદિરમાં આજે ઠાકોરજીના સન્મૂખ ગોવર્ધન પૂજા સાથે અન્નકૂટ લૂંટાયો હતો. પડતર દિવસે ઠાકોરજીને ૧૨૫ મણનો અન્નકૂટ આસપાસના ગામોમાંથી આવેલા ક્ષત્રિયભાઈઓએ લૂંટી પરંપરા સાચવી હતી.

ડાકોર મંદિરમાં સવારે મંગળા આરતી બાદ શણગાર ભોગ પછી ઠાકોરજીના મંદિર પરિસરમાં ગૌશાળામાંથી ગાયો લાવવામાં આવી હતી. ગાયોની પૂજા કરી મંદિર ચોકમાં ઠાકોરજીની સન્મુખ ગોવર્ધન પર્વત છાણ- માટીનો પર્વત બનાવીને તેમાં ઠાકોરજીની શાલિગ્રામ સ્વરૂપ મૂતને મૂકીને તેને પંચામૃત સ્નાન કરાવવામાં આવ્યું હતું. પછી ગાય પાસે ગોવર્ધનની પરિક્રમા કરાવવામાં આવી હતી. બાદમાં બ્રાહ્મણો દ્વાર અન્નકૂટ ભરવામાં આવ્યો હતો. જે અન્નકૂટમાં બ્રાહ્મણો મંદિરની પાછળના કુવે નિતરતા કપડે સવાસો મણનો અન્નકૂટ જેમાં બુંદી, ભાત અને છપ્પન ભોગની સામગ્રી ઠાકોરજીના ઘુમ્મટ ચોકમાં ભરવામાં આવી હતી. જે ભરતા ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. જે અન્નકૂટ ઠાકોરજીને બંધ બારણે ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ચાંદીની થાળીમાં કપૂરની આરતી ઉતારી આસપાસના ગામડેથી આવેલા ક્ષત્રિયભાઈ દ્વારા લૂંટવામાં આવ્યો હતો. પરંપરા મુજબ ડાકોર મંદિર તરફથી આ ક્ષત્રિયભાઈઓને અન્નકૂટ લૂંટવાનું આમંત્રણ એક મહિના પહેલા આપવામાં આવે છે. ક્ષત્રિયભાઈઓ દ્વારા જે અન્નકૂટ ઠાકોરજીને ધરાવવામાં આવે છે તેમાં અનાજનું દાન પણ કરવામાં આવે છે.

