અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) સુપ્રીમ કોર્ટે સોમવારે પરાળી બાળવા સાથે સંબધિત એક અરજી પર સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે પરાળી બાળવાને કારણે દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તાનું સ્તર સતત બગડી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે અગાઉ પંજાબ અને હરિયાણા સરકારોને સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી આપવા જણાવ્યું હતું. મુખ્ય ન્યાયમૂર્તિ બી આર ગવઇ, ન્યાયમૂર્તિ કે વિનોદ ચંદ્રન અને ન્યાયમૂર્તિ એન વી અંજારિયાની ખંડપીઠે અગાઉ ૧૭ નવેમ્બરે અરજી પર સુનાવણી માટે સંમતિ વ્યક્ત કરી હતી. મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે પંજાબ અને હરિયાણા સરકાર પરાળી બાળવાને રોકવા માટે લીધેલા પગલાંની માહિતી આપે. આ અગાઉ ૩ નવેમ્બરે સુપ્રીમ કોર્ટે કમિશન ફોર એર કવાલિટી મેનેજમેન્ટ (સીએક્યુએમ)ને એક એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું હતું.

જેમાં દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણને રોકવા માટે અત્યાર સુધી લીધેલા પગલાંઓની માહિતી આપવા જણાવવામાં આવ્યું હતું.

