અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) દિવાળી પહેલા ફટાકડા પર પ્રતિબંધ અંગે એક મોટો સુધારો સામે આવ્યો છે. દિવાળીમાં ફટાકડા ફોડવાને લઈને સુપ્રીમ કોર્ટમાં દિલ્હી સરકાર દ્વારા અરજી કરવામાં આવી હતી.
દિવાળી પહેલા ફટાકડા પર પ્રતિબંધ અંગે એક મોટો સુધારો સામે આવ્યો છે. દિવાળીમાં ફટાકડા ફોડવાને લઈને સુપ્રીમ કોર્ટમાં દિલ્હી સરકાર દ્વારા અરજી કરવામાં આવી હતી. આ અરજીને લઈને સુપ્રીમ કોર્ટે ફટાકડા મુદ્દે નિર્ણય અનામત રાખ્યો. અને તહેવારને ધ્યાનમાં રાખી હંગામી ધોરણે પ્રતિબંધ હટાવવાની મંજૂરી આપી.

સુપ્રીમ કોર્ટે ફટાકડા મુદ્દે નિર્ણય અનામત રાખ્યો
શુક્રવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે સંકેત આપ્યો કે તહેવારો માટે પ્રતિબંધ હંગામી ધોરણે હટાવવામાં આવશે. કારણ કે ભારતમાં દિવાળી તહેવારની મોટાપાયે ઉજવણી થતી હોય છે. આ તહેવાર ફક્ત ધાર્મિક નહીં લોકોની ભાવના સાથે જોડાયેલો છે. દરમિયાન લોકોની લાગણીને ધ્યાનમાં રાખતા કોર્ટ દ્વારા હાલમાં વચગાળોનો ઉકેલ લાવવા નિશ્ચિત સમય પૂરતા ફટકડા ફોડવાની છૂટ આપવામાં આવશે. મહત્વનું છે કે દિલ્હી સરકાર દ્વારા રાષ્ટ્રીય રાજધાનીમાં દિવાળીની ઉજવણી માટે પ્રમાણિત લીલા ફટાકડાનો ઉપયોગ કરવાની પરવાનગી માંગતી અરજી કરાઈ હતી જેના પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

હંગામી ધોરણે ફટાકડા ફોડવાના પ્રતિબંધ હટાવ્યો
બેન્ચ દ્વારા કહેવામાં આવ્યું કે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને ફટાકડા ફોડવાને લઈને સલામતીની ખાતરી આપી હતી. જેમાં વેપારીઓ દ્વારા ફટાકડાના વેચાણને લાઇસન્સ પ્રાપ્ત કરવામાં આવશે તેમજ ફક્ત માન્યતા મળેલ ઉત્પાદકો જ તેનું વેચાણ કરી શકશે તેવી રજૂઆત કરાઈ હતી. જેના બાદ કોર્ટ દ્વારા હંગામી ધોરણે ફટાકડા ફોડવાના પ્રતિબંધ હટાવવામાં આવ્યો. જોકે, સુપ્રીમ કોર્ટે ઉત્પાદકોને સ્પષ્ટતા કરી હતી કે તેઓ આગામી આદેશ સુધી પ્રતિબંધિત વિસ્તારોમાં આ ગ્રીન ફટાકડા વેચી શકશે નહીં.

