અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) શહેરના ઘંટેશ્વર પાર્ક પાસે નશામાં ધૂત એક કાર ચાલકે મોતની સવારી કરી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ફૂલ સ્પીડમાં જઈ રહેલી કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી પુલ પરથી નીચે ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં કારના કચ્ચરઘાણ નીકળી ગયા છે, જ્યારે ચાલકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

નશાની હાલતમાં પૂરઝડપે હંકારી કાર
પ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માત સર્જનાર કાર ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ઘંટેશ્વર પાર્ક પાસેથી પસાર થતી વખતે કારની ગતિ મર્યાદા કરતા ઘણી વધારે હતી. દારૂના નશામાં હોવાને કારણે ચાલક કાર પર નિયંત્રણ રાખી શક્યો નહોતો અને સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પુલની રેલિંગ તોડીને નીચે પટકાઈ હતી.

પુલ પરથી નીચે પડતા કારના ફુરચા ઉડ્યા
કાર એટલી ઊંચાઈએથી નીચે પડી હતી કે તેની છત અને આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો હતો. કારમાં ભારે નુકસાની જોવા મળી રહી છે, જે જોતા અકસ્માત કેટલો ભયાનક હશે તેનો અંદાજો લગાવી શકાય છે. ઘંટેશ્વર પાસે બનેલી આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

