અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) રાજસ્થાનમાં ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી) પૂર્વે સુરક્ષા એજન્સીઓએ મોટી સફળતા મેળવી છે. નાગૌર જિલ્લામાં પોલીસે દરોડો પાડીને અત્યાર સુધીનો સૌથી મોટો ગેરકાયદે વિસ્ફોટક જથ્થો ઝડપી પાડ્યો છે.

નાગૌર પોલીસની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી
ગણતંત્ર દિવસની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજસ્થાન પોલીસ હાઈ એલર્ટ પર છે. આ દરમિયાન નાગૌર જિલ્લાના થાવલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની ડિસ્ટ્રિક્ટ સ્પેશિયલ ટીમ (DST) અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. હરસૌર ગામમાં એક ફાર્મ હાઉસ પર દરોડો પાડીને પોલીસે આશરે 10000 કિલોગ્રામ (9550 કિગ્રા) ગેરકાયદે એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કર્યું છે. રાજ્યમાં વિસ્ફોટકોની આ અત્યાર સુધીની સૌથી મોટી રિકવરી માનવામાં આવે છે.
ફાર્મ હાઉસમાં છુપાવ્યો હતો વિસ્ફોટકોનો ખજાનો
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સુલેમાન ખાને તેના ફાર્મ હાઉસમાં બનેલા એક મકાનમાં આ વિસ્ફોટક જથ્થો અત્યંત ગુપ્ત રીતે છુપાવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને 187 કટ્ટા (કોથળા) માં ભરેલું એમોનિયમ નાઈટ્રેટ મળી આવ્યું હતું. આ ઉપરાંત, વિસ્ફોટ કરવા માટે વપરાતા અન્ય સાધનો પણ જપ્ત કરાયા છે, જેમાં: 9 કાર્ટન ડેટોનેટર, 12 કાર્ટન અને 15 બંડલ વાદળી ફ્યુઝ વાયર, 12 કાર્ટન અને 5 બંડલ લાલ ફ્યુઝ વાયર મળી આવ્યા છે.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ અને પ્રાથમિક પૂછપરછ
ધરપકડ કરાયેલ આરોપી સુલેમાન ખાન હરસૌર ગામનો જ રહેવાસી છે. નાગૌર એસપી મૃદુલ કચ્છવાએ જણાવ્યું કે સુલેમાન સામે અગાઉ પણ ગેરકાયદે વિસ્ફોટકો રાખવાના 3 ગુના નોંધાયેલા છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું કે તે ખાણકામ (Mining) પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને આ વિસ્ફોટકો સપ્લાય કરતો હતો. જોકે, પ્રજાસત્તાક દિવસ પૂર્વે આટલો મોટો જથ્થો મળવો એ ગંભીર બાબત છે.
કેન્દ્રીય તપાસ એજન્સીઓને કરાઈ જાણ
એમોનિયમ નાઈટ્રેટ એ અત્યંત ઘાતક વિસ્ફોટક છે, જેનો ઉપયોગ અગાઉ અનેક આતંકી હુમલાઓમાં થયો છે. નવેમ્બર 2025માં દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ધમાકામાં પણ આ પ્રકારના વિસ્ફોટકોનો ઉપયોગ થયો હતો. આ બાબતની ગંભીરતાને જોતા રાજસ્થાન પોલીસે કેન્દ્રીય તપાસ એજન્સીઓને જાણ કરી છે. હવે એજન્સીઓ એ તપાસ કરશે કે શું આ જથ્થાનો ઉપયોગ કોઈ મોટી આતંકી સાજિશમાં કરવાનો હતો કે કેમ.

