અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) બિહારમાં વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. પ્રથમ તબક્કામાં વિક્રમજનક ૬૫ ટકા મતદાન થયું છે. બિહારની કુલ ૨૪૩ વિધાનસભા બેઠકો પૈકી પ્રથમ તબક્કા હેઠળ ૧૨૧ બેઠકો પર મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાકીની બેઠકો પર ૧૧ નવેમ્બરે મતદાન થવાનું છે અને ૧૪ નવેમ્બરે મત ગણતરી કરવામાં આવશે.

ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. આજે થયેલુ ૬૫ ટકા મતદાન બિહારનાં ઇતિહાસમાં થયેલુ સૌથી વધારે મતદાન છે.
થોડાક સમયને બાદ કરતા એનડીએ છેલ્લા ૨૦ વર્ષથી બિહારમાં શાસનમાં છે. રાજદએ મુખ્યપ્રધાન પદના ઉમેદવાર તરીકે તેજસ્વી યાદવની જાહેરાત કરી છે. રાજદનાં તેજસ્વી યાદવ, નાયબ મુખ્યપ્રધાનો સમ્રાટ ચૌધરી અને વિજયકુમાર સિંહા સહિતનાં ૧૩૧૪ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયું છે. મતદાન દરમિયાન કેટલીક હિંસક ઘટનાઓ બની હતી. જે પૈકી એક ઘટનામાં વિજયકુમાર સિંહાની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો.
ભાજપે દાવો કર્યો છે કે મોટી સંખ્યા મહિલા મતદારોએ કરેલું મતદાન એનડીએ માટે સારા સંકેત છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે રાજદના જંગલ રાજમાં માતાઓ, દીકરીઓ અને બહેનોને સૌથી વધુ સહન કરવું પડતું હતું. તેથી જંગલરાજને ફરીથી આવતા રોકવા માટે મહિલાઓએ મોટી સંખ્યામાં મતદાન કર્યુ છે.
લાલુપ્રસાદ યાદવે એક્સ પર લખ્યું હતું કે જો રોટીને તવા પરથી યોગ્ય સમયે હટાવવામાં ન આવે તો તે બળી જાય છે. એનડીએએ ૨૦ શાસન કર્યુ તે એક મોટો સમયગાળો છે. તેજસ્વીની સરકાર નવા બિહારનું નિર્માણ કરવા માટે કટિબદ્ધ છે.

