અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જન્મ જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીજીને યાદ કરતાં કહ્યું હતું કે, ગાંધીજીના જીવન પર અનેક પ્રકારના મૂલ્યવાન પુસ્તક લખાયેલા છે. તેમના અહિંસાના વિચારોથી પ્રેરીત થઈને યુનો દ્વારા તેમના જન્મ દિવસને ‘વિશ્વ અહિંસા દિવસ’ તરીકે પણ ઉજવવાની પહેલ કરવામાં આવી છે.

સ્વદેશી વસ્તુઓ વાપરવાનો સૌ ભારતીયો અનુરોધ કર્યો
મંત્રી વિશ્વકર્માએ આ પ્રસંગે ચૌધરી વિદ્યાલયની વિદ્યાર્થીની ઓની સાથે સંવાદ કરતા કહ્યું હતું કે,આપણે પોતાના જીવનમાં ગાંધીજીના જીવન મૂલ્યોમાંથી કોઈ એક સારા વિચારનો અમલ કરવો જોઈએ. જેમાંથી સ્વદેશી વસ્તુઓનો આગ્રહ,પાણી બચાવવું,અન્નનો બગાડ કરવો નહીં, અનુસાશન, સત્ય બોલવું, સ્વચ્છતાના આગ્રહી બનવું અને સમયનું પાલન કરવું વગેરે અપનાવી શકાય.

તેમણે જણાવ્યું હતું કે,મહાત્મા ગાંધીજીના સ્વદેશી વિચાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વધુને વધુ ‘આત્મનિર્ભર’ બનાવવા આપણા દેશમાં જ બનેલી સ્વદેશી વસ્તુઓ વાપરવાનો સૌ ભારતીયો અનુરોધ કર્યો છે,આ સ્વદેશી વિચારને આપણે સૌએ પોતાના દૈનંદિન જીવનમાં અપનાવવો જોઈએ.

જે.એમ.ચૌધરી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી
આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્ય જે.એસ.પટેલ,શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે,વિધાનસભાના સચિવ ચેતન પંડ્યા, સંયુક્ત સચિવ રીટાબેન મહેતા, ઉચ્ચ અધિકારીઓ, નગરજનો તેમજ જે.એમ.ચૌધરી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

