TOP NEWS : મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે, રાજ્યસભામાં PM મોદીનું સંબોધન

0
13
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) PM Modi Live in Rajysabha :  પીએમ મોદીએ જણાવ્યું હતું કે, જો આ યુદ્ધ ચાલુ રહેશે, તો તેના ગંભીર પરિણામો આવશે. તેમણે કહ્યું કે, ભારત દરેક ક્ષેત્રમાં એવો પ્રયાસ કરી રહ્યું છે કે કોઈપણ ક્ષેત્રમાં અન્ય દેશો પર વધુ પડતી નિર્ભરતા ન રહે. વડાપ્રધાને શિપ બિલ્ડિંગથી લઈને રેર અર્થ મિનરલ્સ (દુર્લભ ખનિજો) સુધી, આત્મનિર્ભરતાના પ્રયાસો ગણાવ્યા અને કહ્યું કે આ સંકટે દુનિયાને હચમચાવી દીધી છે. આમાંથી બહાર આવવામાં પણ વિશ્વને ઘણો સમય લાગશે. સરકાર પળેપળે બદલાતી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં આજે મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, અમે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા તથા ગલ્ફ દેશો સાથે સતત સંપર્કમાં છીએ. યુદ્ધના માહોલમાં અમે ભારતીય જહાજોની સુરક્ષા માટે અમે સતત પ્રયાસ કરી રહ્યા છે. ભારત તમામ પક્ષોને શાંતિપૂર્ણ સમાધાન માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. દેશ વિદેશમાં ભારતીયોની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે.

 મેં પશ્ચિમ એશિયાના મોટા ભાગના દેશોના વડાઓ સાથે બે વખત વાતચીત કરી છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પ્રભાવિત પરિવારોને મદદ આપવામાં આવી રહી છે. ત્યાંનાં તમામ દેશોએ ભારતીયોની સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે. જોકે કેટલાક ભારતીયોનું દુ:ખદ નિધન થયું છે, તેમની મદદ માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

ભારતમાં મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને ગેસ હોર્મુઝ સ્ટ્રેટના રસ્તે આયાત કરવામાં આવે છે. યુદ્ધ બાદથી જ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર પડકારજનક થઈ ગઈ છે. તેમ છતાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની સપ્લાય પ્રભાવિત ન થાય તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. ભારત 60 ટકા LPGની આયાત કરે છે, જેની સપ્લાયમાં અનિશ્ચિતતા સર્જાઈ છે. જેના કારણે LPGનું પ્રોડક્શન ભારતમાં જ થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની સપ્લાય પણ જળવાઈ રહે તેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 

લોકસભામાં વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં કહ્યું કે, હું પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને લઈને વાત મૂકવા ઊભો થયો છું. પશ્ચિમ એશિયામાં સંકટ અત્યંત ચિંતાજનક છે, જેની સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર થઈ રહી છે. સમગ્ર વિશ્વ આ સંકટના સમાધાન માટે તમામ પક્ષને આગ્રહ કરી રહ્યું છે. ભારત સામે પણ યુદ્ધના કારણે પડકારો ઊભા થયા છે. ભારત સામે આર્થિક તથા રાષ્ટ્રીય સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ છે. લગભગ 1 કરોડ ભારતીયો ખાડી દેશોમાં રહે છે અને ત્યાં કામ કરે છે. કોમર્શિયલ જહાજોમાં ભારતીય ક્રૂ મેમ્બર્સની સંખ્યા મોટી છે. મેં પશ્ચિમ એશિયાના મોટા ભાગના દેશોના વડાઓ સાથે બે વખત વાતચીત કરી છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પ્રભાવિત પરિવારોને મદદ આપવામાં આવી રહી છે. પ્રભાવિત દેશોમાં ભારતના તમામ દૂતાવાસ ભારતીયોની મદદ કરી રહ્યા છે. નિયમિત રૂપે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. 24 કલાક કંટ્રોલ રૂમ અને હેલ્પલાઈન સ્થાપિત કરવામાં આવી છે. દેશ-વિદેશમાં ભારતીયોની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા રહી છે. યુદ્ધ શરૂ થયા બાદથી અત્યાર સુધી પોણા ચાર લાખ ભારતીયો સુરક્ષિત ભારત પરત ફર્યા છે. ખાડી દેશોની ભારતીય શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. સરકાર સંવેદનશીલ અને સતર્ક છે.

ભારત પાસે આજે 53 લાખ મેટ્રિક ટનનું પેટ્રોલિયમ ભંડાર રિઝર્વ છે. આ સિવાય ઓઈલ કંપનીઓ પાસે જે રિઝર્વ રહે છે તે અલગ છે. ભારત સરકાર ગલ્ફ અને તેની આસપાસના શિપિંગ રૂટ પર નજર રાખી રહી છે. અમે ઓઈલ, ગેસ અને ફર્ટીલાઈઝરના જહાજ ભારત સુધી સુરક્ષિત પહોંચે તે માટે અમે અન્ય દેશો સાથે નિરંતર સંવાદ કરી રહ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા અનેક જહાજ ભારત આવ્યા છે.

છેલ્લા 10-11 વર્ષમાં ઈથેનોલના ઉત્પાદન પર અભૂતપૂર્વ કામ કરવામાં આવ્યું. આજે પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ કરવામાં આવે છે. રેલવેનું વીજળીકરણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને 15 હજાર ઈલેક્ટ્રિક બસો આપી છે. વર્તમાન સંકટના કારણે દુનિયાભરની અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ રહી છે, પણ ભારત સરકાર આ સંકટની અસર દેશ પર ઓછામાં ઓછી થાય તે માટે પ્રયાસ કરી રહી છે. અમે તમામ સેક્ટરના સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા કરી રહ્યા છીએ. દેશના ખેડૂતોએ અન્નના ભંડાર ભરી રાખ્યા છે જેના કારણે ભારત પાસે ખાદ્યનો પૂરતો જથ્થો છે. કોરોના અને તે સમયના યુદ્ધ દરમિયાન પણ ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ હતી. તે સમયે દુનિયામાં યુરિયા ત્રણ હજાર રૂપિયામાં વેચાઈ રહ્યું હતું પણ ભારતમાં 300 રૂપિયામાં આપવામાં આવતું હતું. બીજી તરફ ભારતમાં યુરિયાનું ઉત્પાદન સતત વધારવામાં આવ્યું છે. હું દેશના ખેડૂતોને ભરોસો અપાવવા માગું છું કે સરકાર તમને સતત મદદ કરતી રહેશે.

ભારતમાં ઉનાળો શરૂ થઈ રહ્યો છે, આગામી સમયમાં વીજળીની માંગ પણ વધશે. હાલ તમામ પાવર પ્લાન્ટમાં કોલસાનો પૂરતો જથ્થો છે. સાથે સાથે સરકારે રિન્યુએબલ એનર્જી માટે પણ મોટા નિર્ણય લીધા છે, ભારતમાં રિન્યુએબલ એનર્જીથી 250 ગીગાવોટ એનર્જી બનાવવામાં આવે છે. ભારતમાં 40 લાખ રૂફટોપ સોલાર લગાવવામાં આવ્યા છે. દેશમાં આજે 200 બાયોગેસ પ્લાન્ટ કામ કરી રહ્યા છે. આ તમામ પ્રયાસ દેશ માટે કામ આવી રહ્યા છે.

સંઘર્ષ અમે શરૂઆતથી જ ચિંતા વ્યક્ત કરી હતી અને મેં પોતે પણ પશ્ચિમ એશિયાના નેતાઓ સાથે વાતચીતમાં તણાવ ઓછો કરી સંઘર્ષ સમાપ્ત કરવાનો આગ્રહ કર્યો છે. ભારતે નાગરિકો, એનર્જી તથા ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો વિરોધ કર્યો છે. કોમર્શિયલ જહાજો પર હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટમાં અવરજવરમાં રૂકાવટ અસ્વીકાર્ય છે. ભારત હંમેશા જ માનવતાના હિતમાં અને શાંતિના પક્ષમાં રહ્યું છે. વાતચીત અને કૂટનીતિ જ આ સમસ્યાનું સમાધાન છે. આ યુદ્ધમાં કોઈના પણ જીવન પર સંકટ માનવતાના હિતમાં નથી.

સંઘર્ષ સમયે અમુક તત્વો ખોટો ફાયદો ઉઠાવવાના પ્રયાસ કરે છે. તેથી કાયદો વ્યવસ્થા સંભાળતી તમામ એજન્સીઓને ઍલર્ટ પર રાખવામાં આવી છે. આ યુદ્ધનો પ્રભાવ લાંબા સમય સુધી રહે તેવી આશંકા છે, તેથી આપણે તૈયાર રહેવું પડશે. આપણે કોરોના સમયે પણ આવા પડકારોનો સામનો કરી ચૂક્યા છે, હવે આપણે ફરી તેવી જ રીતે તૈયાર રહેવાની આવશક્યતા છે. ધૈર્ય અને શાંત મને દરેક પડકારોનો સામનો કરવાનો છે. અફવા ફેલાવનારાઓથી પણ આપણે સાવચેત રહેવાની જરૂર છે. સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા મોનીટરીંગ કરવી જરૂરી છે તથા રાજ્ય સરકારોએ ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ.

કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ‘ટીમ ઈન્ડિયા’ બનીને કામ કરવું પડશે: પીએમ મોદી
આ સંકટ આપણી મોટી પરીક્ષા લેશે અને આ પરીક્ષામાં રાજ્યોનો સહકાર મળે તે આવશ્યક છે. સંકટના સમયમાં ગરીબ અને શ્રમિકો પર અસર પડે છે. તેથી તેમને અનાજ મળતું રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ. રાજ્ય સરકારોએ આવા સમયમાં સંગ્રહખોરી કરનારાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. જરૂરી ચીજ વસ્તુઓની સપ્લાય ચાલતી રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ. હું તમામ રાજ્ય સરકારોને અનુરોધ કરવા માંગુ છું કે સંકટ ભલે ગમે તેટલું મોટું હોય, ભારતની અર્થવ્યવસ્થા તેજીથી આગળ વધે તે માટે સતત પ્રયાસ કરવા પડશે. કોરોના સંકટ સમયે કેન્દ્ર અને રાજ્યોએ ટીમ ઈન્ડિયા બનીને સારું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આપણે તે જ ભાવના સાથે આગળ પણ કામ કરવાનું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયાસોથી દેશ આ ગંભીર વૈશ્વિક સંકટનો સામનો કરશે.

દેશવાસીઓએ મોટા સંકટ માટે તૈયાર રહેવું પડશે: પીએમ મોદી
આ સંકટ અલગ પ્રકારનું છે તેથી આપણે ધૈર્ય સાથે શાંત મને દરેક સંકટનો સામનો કરવાનો છે. યુદ્ધમાં પળેપળ પરિસ્થિતિ બદલાઈ રહી છે. હું દેશવાસીઓને અપીલ કરું છું કે આપણે દરેક સંકટથી લડવા તૈયાર રહેવું પડશે.

સંસદ બજેટ સત્ર લાઈવ: હોર્મુઝ સ્ટ્રેટમાં અનેક જહાજો ફસાયેલા છે: પીએમ મોદી

પીએમ મોદીએ સદનમાં જણાવ્યું હતું કે, “છેલ્લા 11 વર્ષોમાં સતત નિર્ણયો લેવામાં આવ્યા છે. એનર્જી ઈમ્પોર્ટ (ઉર્જા આયાત) નું વિકેન્દ્રીકરણ એ આવા જ પ્રયત્નોનો એક ભાગ છે. અગાઉ ભારત 27 દેશોમાંથી ઉર્જા આયાત કરતું હતું, આજે તે 41 દેશોમાંથી આયાત કરી રહ્યું છે. આપણી તેલ કંપનીઓ કટોકટીના સમય માટે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક રાખે છે. આ યુદ્ધના કારણે વેપારના માર્ગો પ્રભાવિત થઈ રહ્યા છે. ગેસ અને ફર્ટિલાઈઝર (ખાતર) જેવી જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય ખોરવાઈ રહી છે. ગલ્ફ દેશોમાં એક કરોડથી વધુ ભારતીયો વસે છે, તેમની સુરક્ષા પણ ભારત માટે ખૂબ જ મોટી ચિંતાનો વિષય છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ઘણા જહાજો ફસાયેલા છે, જેમાં મોટી સંખ્યામાં ભારતીય ક્રૂ મેમ્બર્સ પણ સામેલ છે.”

યુદ્ધના દુષ્પરિણામો લાંબા સમય સુધી રહી શકે છે: પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે આ સંકટ અલગ પ્રકારનું છે અને તેના ઉકેલ પણ અલગ રીતે જ નક્કી કરવામાં આવી રહ્યા છે. આ યુદ્ધની અસરો લાંબા સમય સુધી રહેવાની પ્રબળ આશંકા છે. હું દેશવાસીઓને ભરોસો આપું છું કે અમે સતર્ક છીએ. અમે દેશની જનતાના હિતમાં દરેક નિર્ણય લઈ રહ્યા છીએ.

જો જંગ ચાલુ રહેશે તો ગંભીર પરિણામો આવશે: પીએમ મોદી

પીએમ મોદીએ જણાવ્યું કે ભારતે સંવાદનો માર્ગ સૂચવ્યો છે. અમે ઇરાન, અમેરિકા અને ઇઝરાયલ સહિતના તમામ પક્ષો સાથે સતત સંપર્કમાં છીએ. યુદ્ધથી જે પ્રકારની પરિસ્થિતિઓ સર્જાઈ છે, જો આ જંગ ચાલુ રહેશે તો તેના ગંભીર દુષ્પરિણામો આવશે. અમારા ફંડામેન્ટલ્સ મજબૂત છે અને અમે એવી વ્યૂહરચના સાથે કામ કરી રહ્યા છીએ કે ભારત પર તેની ઓછામાં ઓછી અસર થાય. પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે જેટલું નુકસાન થયું છે, તેમાંથી બહાર આવવામાં પણ દુનિયાને ઘણો સમય લાગશે. આ રાજ્યોનું સદન છે અને આ સંકટ આવનારા સમયમાં આપણી મોટી પરીક્ષા લેવાનું છે.

આ સંકટમાં રાજ્યોની ભૂમિકા પણ મહત્વની રહેવાની છે. પીએમ ગરીબ કલ્યાણ યોજનાનો લાભ ગરીબોને સમયસર મળતો રહે તેવો પ્રયાસ કરવો પડશે. રાજ્યોએ પ્રવાસી મજૂરોની સમસ્યાઓ પર પણ ધ્યાન આપવું પડશે. કાળાબજારી અને સંગ્રહખોરીની ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાય સુનિશ્ચિત કરવી એ રાજ્યોની પ્રાથમિકતા હોવી જોઈએ. સંકટ ભલે ગમે તેટલું મોટું હોય, ભારતની ઝડપી વૃદ્ધિ (Growth) જાળવી રાખવી એ આપણા સૌની જવાબદારી છે. આપણે ઝડપથી સુધારા (Reforms) કરવા પડશે. આ ‘ટીમ ઈન્ડિયા’ની પણ મોટી પરીક્ષા છે. કોવિડ કાળમાં આપણે નવું મોડલ રજૂ કર્યું હતું, આપણે તે જ ભાવના સાથે આગળ પણ કામ કરવું પડશે. તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રના પ્રયાસોથી દેશ આ ગંભીર સંકટનો અસરકારક રીતે સામનો કરી શકશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here