TOP NEWS : વડોદરા-હાલોલ રોડ પર ઈકો કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બાળકી સહિત બેના મોત

0
32
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) વડોદરા-હાલોલ રોડ પર વધુ એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જરોદ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા રેલીસ હોટલ નજીક ઈકો કાર અને બાઈક વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે ચાર લોકોને ઈજાઓ પહોંચતા સમગ્ર વિસ્તારમાં શોક અને સંવેદનાની લાગણી પ્રસરી ગઈ છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

પ્રાપ્ત માહિતી અનુસાર, ઈકો કારમાં મેડી મદાર ગામનું પરિવાર સવાર હતું. આ પરિવાર હાલોલ તરફથી વડોદરા જઈ રહ્યો હતો અને ત્યારબાદ જરોદ તરફ જવાનો હતો. ઈકો કારમાં માતા, પિતા અને તેમની પુત્રી રક્ષા મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન રેલીસ હોટલ નજીક રોડ ક્રોસ કરતી વખતે ઈકો કાર અને એક બાઈક વચ્ચે અચાનક ટક્કર સર્જાઈ હતી.

અકસ્માત એટલો ગંભીર હતો કે ઈકો કારમાં સવાર પુત્રી રક્ષાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતમાં માતા અને પિતાને સામાન્ય ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દીકરીના અચાનક અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને ઘટનાસ્થળે કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

બીજી તરફ, બાઈક પર એક પરિવાર મુસાફરી કરી રહ્યો હતો. બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બાઈક પાછળ બેઠેલા તેના બે સંતાનો, ભાઈ અને બહેન, ને પણ અકસ્માતમાં ઈજાઓ પહોંચી હતી. બંને બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં એક તરફ બાઈક ચાલકના સંતાનોએ પોતાના પિતા ગુમાવ્યા છે, તો બીજી તરફ ઈકો કારમાં સવાર પરિવારે પોતાની લાડકી દીકરી ગુમાવી છે. એક જ ક્ષણમાં બે પરિવારોના જીવનમાં અંધકાર છવાઈ ગયો છે. સ્થાનિક લોકો પણ આ ઘટનાથી દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.અકસ્માતની જાણ થતા જ જરોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થા સંભાળી અને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવી વાહનવ્યવહાર પુનઃ શરૂ કર્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ અકસ્માતના સાચા કારણોની તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા-હાલોલ રોડ પર વારંવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. ઝડપી વાહનચાલન, અચાનક રોડ ક્રોસ કરવું અને બેદરકારી જેવા કારણો માર્ગ અકસ્માતોનું મુખ્ય કારણ બની રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર વાહનચાલકોને સાવચેત રહેવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here