અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત્ રહ્યો છે. સાયલાના હડાળા બોર્ડ નજીક એક ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, જે પૈકી ત્રણની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. હાલ સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

.
ઘટનાસ્થળે ત્રણ 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી
મળતી માહિતી અનુસાર, અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહેલી ખાનગી બસ હડાળા બોર્ડ નજીક ચાલકે કાબૂ ગુમાવતા અચાનક પલટી ગઈ હતી. અકસ્માતને પગલે મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સાયલા, ચોટીલા અને ડોળિયા લોકેશનની ત્રણ જેટલી 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢી સારવાર અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
ગંભીર ઇજાગ્રસ્તોને રાજકોટ રિફર કરાયા
તમામ 15થી વધુ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ચોટીલાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે, ઇજાઓની ગંભીરતા જોતા 09 ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.
બે દિવસમાં 39 લોકો ઇજાગ્રસ્ત
ચિંતાજનક બાબત એ છે કે, સાયલા પંથકમાં છેલ્લા બે દિવસમાં આ બીજી મોટી અકસ્માતની ઘટના છે. જેમાં જુદી જુદી બે લક્ઝરી બસોને નડેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં કુલ 39 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

