અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) સુરતના પુણાગામ વિસ્તારમાં વહેલી સવારે એક કાળજુ કંપાવી દેનારો અકસ્માત સર્જાયો છે, જેમાં બે યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ, એક યુવક પોતાની સ્પોર્ટ્સ બાઇક લઈને અત્યંત ઓવરસ્પીડમાં અને રોંગ સાઇડમાં જઈ રહ્યો હતો. આ દરમિયાન બાઇક ચાલકે સ્પીડ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને BRTS ટ્રેકમાં સામેથી આવી રહેલા અન્ય એક બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે સ્પોર્ટ્સ બાઇકના ફૂરચા ઉડી ગયા હતા અને બંને યુવકો ગંભીર ઇજાઓ થવાને કારણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.

લોહિયાળ અકસ્માત
આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, સ્પોર્ટ્સ બાઇક ચલાવનાર યુવક ગતિની મજા લેવા માટે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યો હતો. રોંગ સાઇડમાં વાહન ચલાવવું અને ઓવરસ્પીડ હોવી આ દુર્ઘટના પાછળના મુખ્ય કારણો મનાય રહ્યા છે. અકસ્માત બાદ બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરત પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર યુવા પેઢીમાં વધતા જતાં સ્પીડના ક્રેઝ અને તેની સામે સુરક્ષાના અભાવ પર સવાલો ઉભા કર્યા છે.

