અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર આગામી 27 ઓક્ટોબરે ચક્રવાતી તોફાનમાં પરિણમી શકે છે. જેના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં આગામી સોમવારથી ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે જારી કરી છે. આ મામલે ભુવનેશ્વર હવામાન વિભાગના ડિરેક્ટર જણાવ્યું હતું કે, વેધર સિસ્ટમ છેલ્લા ત્રણ કલાકમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી છે અને તે દિશામાં આગળ વધવાની શક્યતા છે, ત્યારે 3 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદ થઈ શકે છે.

ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ભુવનેશ્વર હવામાન વિભાગના ડિરેક્ટરે કહ્યું કે, ‘આવતીકાલે શનિવારે (25 ઓક્ટોબર) દક્ષિણપૂર્વ અને સેન્ટ્રલ બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન બનવાની શક્યતા છે, જે 26 ઓક્ટોબરના રોજ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. જેના કારણે 27 ઓક્ટોબરના રોજ દક્ષિણ પશ્ચિમ અને વેસ્ટ સેન્ટ્રલ બંગાળની ખાડીની ઉપર એક વાવાઝોડું સક્રિય થઈ શકે છે. ચક્રવાતના કારણે આગામી 27થી 29 ઓક્ટોબર દરમિયાન ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે દરિયાકાંઠાના જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે.
‘ઓડિશા સરકાર ઍલર્ટ મોડમાં
હવામાન વિભાગે શુક્રવારે (24 ઓક્ટોબર) 12 જિલ્લામાં, શનિવારે (25 ઓક્ટોબર) અને રવિવારે (26 ઓક્ટોબર) 20-21 જિલ્લામાં અને સોમવારે (27 ઓક્ટોબર) સમગ્ર ઓડિશામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે ઓડિશાના રેવેન્યૂ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રીએ જણાવ્યું હતું કે, ‘રાજ્ય સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. ઓક્ટોબરને સામાન્ય રીતે ચક્રવાત મહિનો માનવામાં આવે છે. ગભરાવવાની કોઈ જરૂર નથી. સરકાર પરિસ્થિતિને સંભાળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.’હવામાન અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સિસ્ટમના કારણે દક્ષિણ બંગાળના જિલ્લાઓમાં, મેદિનીપુર, ઝારગ્રામ અને હાવડામાં 28 થી 30 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે. કોલકાતા અને નજીકના હુગલી જિલ્લામાં 28 ઓક્ટોબરે વાવાઝોડા અને વીજળી પડવાની પણ શક્યતા છે. 29 થી 30 ઓક્ટોબર દરમિયાન ઉત્તર બંગાળના જલપાઇગુડી, અલીપુરદ્વાર, કૂચ બિહાર, દક્ષિણ દિનાજપુર અને માલદા જિલ્લામાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે.

