અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) રાજધાની દિલ્હીમાં સતત વકરી રહેલા વાયુ પ્રદૂષણ અને ઝેરી હવાને કારણે દિલ્હી સરકારે આજથી (ગુરુવાર, 18 ડિસેમ્બર) અત્યંત કડક પાબંદીઓ અમલમાં મૂકી છે. દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ગંભીર સ્તરે પહોંચતા સરકારે ઓફિસો માટે વર્ક ફ્રોમ હોમ અને વાહનો માટે નવા નિયમો જાહેર કર્યા છે.

ઓફિસો માટે ‘વર્ક ફ્રોમ હોમ’ ફરજિયાત
દિલ્હીના શ્રમ મંત્રી કપિલ મિશ્રાએ જાહેરાત કરી છે કે ગુરુવારથી તમામ સરકારી અને ખાનગી ઓફિસોમાં 50% સ્ટાફ માટે ‘વર્ક ફ્રોમ હોમ’ (ઘરથી કામ) ફરજિયાત રહેશે. જો કોઈ સંસ્થા આ નિયમનો ભંગ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે, હોસ્પિટલ, પ્રદૂષણ નિયંત્રણ વિભાગ, ફાયર બ્રિગેડ, ટ્રાન્સપોર્ટ અને સફાઈ જેવી જીવનજરૂરી સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.
મજૂરોને ₹10,000 ની સહાય
બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ આવતા મજૂરોની રોજીરોટી પર અસર પડી છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે જાહેરાત કરી છે કે જ્યાં સુધી GRAP-IV ના નિયમો લાગુ રહેશે, ત્યાં સુધી પ્રભાવિત મજૂરોને ₹10,000 ની આર્થિક સહાય આપવામાં આવશે.
PUC સર્ટિફિકેટ વિના પેટ્રોલ-ડીઝલ નહીં મળે
પર્યાવરણ મંત્રી મંજીન્દર સિંહ સિરસાએ વાહન પ્રદૂષણ રોકવા માટે મોટો નિર્ણય લીધો છે. હવેથી દિલ્હીના કોઈપણ પેટ્રોલ પંપ પર વેલિડ PUC (Pollution Under Control) સર્ટિફિકેટ વિના ઈંધણ મળશે નહીં.
PUC ફી: ટુ-વ્હીલર માટે ₹60, ફોર-વ્હીલર (પેટ્રોલ) માટે ₹80 અને ડીઝલ વાહનો માટે ₹100 નક્કી કરાઈ છે. BS-IV અને BS-VI વાહનો માટે આ સર્ટિફિકેટ 12 મહિના સુધી માન્ય ગણાય છે.
વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ, સરકારે દિલ્હીની સરહદો પર પણ કડકાઈ વધારી છે:
બાંધકામ સામગ્રીના વાહનો: બાંધકામની વસ્તુઓ લાવતા ટ્રકોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
BS-6 થી નીચેના વાહનો: દિલ્હી બહાર રજિસ્ટર્ડ થયેલા અને BS-6 સ્ટાન્ડર્ડથી નીચેના તમામ વાહનોના પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે.
ટ્રાફિક પોલીસ અને ટ્રાન્સપોર્ટ વિભાગની ટીમો પેટ્રોલ પંપો અને દિલ્હીની બોર્ડર પર તૈનાત રહેશે. સરકાર હવે વાહનોની સંખ્યા ઘટાડવા માટે પોતાની ‘કારપૂલિંગ એપ’ લોન્ચ કરવાની પણ યોજના બનાવી રહી છે, જેથી લોકો એકબીજા સાથે વાહન શેર કરી શકે અને પ્રદૂષણમાં ઘટાડો થાય.

